Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગુજરાત પોલીસ માટે નવો પડકાર 'ચાઈલ્ડ પોનોગ્રાફી'

રાજયભરની પોલીસ આવી ફરીયાદોના નિકાલ તથા આરોપીઓને પકડવાની પ્રાથમીકતા આપી રહી છે : ગત વર્ષે ૧૦૬૬ જેટલી ફરીયાદો મળેલી : સીઆઇડી ક્રાઇમ (આઇજી સાયબર સેલ) સુભાષ ત્રિવેદી કહે છેકે અમારી તમામ તાકાત આવી ફરીયાદોના આરોપી સુધી પહોંચવા લગાડવામાં આવી છે, અનેક જગ્યાએ પોસ્ટ શેર થઇ હોવાથી મૂળ સુધી પહોંચી પુરાવા એકઠા કરવામાં થોડો સમય લાગેે છે તે બાબત સ્વભાવિક છે : રાજય પોલીસ તંત્રના ટેકનોસેવી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તો જાતે જ આવી ફરીયાદો કઇ રીતે ટ્રેક કરવી તેનું માર્ગદર્શન સાયબર સેલને પુરૂ પાડી રહયા છે : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને વડોદરાના પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ તથા સાયબર સેલના એસીપી ભરત રાઠોડ સતત કાર્યરત બન્યા છે : રાજકોટ રેન્જ વડા સંદીપસિંહની જાગૃતીથી ૭ર જેટલી ફરીયાદો નોંધવા સાથે આ આઇપીએસ સાયબર સેલના પીઆઇ શ્રી ડોડીયાની મદદથી ત્વરીત નિકાલની દિશામાં જહેમત ઉઠાવી રહયા છે

રાજકોટ, તા., ૨૯: ગુજરાતમાં માથાભારે ગુંડાઓને નાથવા માટે કડક કાયદો યુપીની પેટર્ન પર તૈયાર થઇ રહયાનું  જાહેરાત વચ્ચે ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂ અને ડ્રગ્સની શિરદર્દ જેવી સમસ્યાઓની સાથોસાથ એક વધુ ગંભીર સમસ્યા સર્જાઇ છે, જો કે સમગ્ર રાજયભરની પોલીસ ડીજીપી આશીષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ પોતાના શહેર જીલ્લાના સાઇબર ક્રાઇમ મારફત ખુબ જ ખંતથી કાર્ય કરી આવા ચાઇલ્ડ પોનોગ્રાફીનું પ્રસારણ કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરી રહયા છે.

ઉકત બાબતે રાજયના આઇજીપી કક્ષાના સિનીયર આઇપીએસ અને ગુજરાત સીઆઇડી ક્રાઇમમાં સાઇબર સેલ જેમની અંડરમાં છે તેવા નવનિયુકત આઇજી સુભાષ ત્રિવેદીએ ચાઈલ્ડ પોનોગ્રાફી ફરીયાદને પ્રાથમિકતા આપવાનો દ્રઢ નિર્ધાર કરવા સાથે પોતાની સાઇબર સેલ ટીમને પુરાવાઓ એકઠા કરવા કાર્યરત કરી છે તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવેલ કે ચાઇલ્ડ પોનોગ્રાફીની ફરીયાદો અમે ગંભીરતાથી લેવા સાથે આ બાબતો ઝડપથી સકંજામાં આવે તે માટે અમારી આખી ટીમ સતત પાછળ પડી છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે આવી પોસ્ટો અનેક જગ્યાએ પ્રસરી હોવાથી તેના મૂળ સુધી પહોંચી સોલીડ પુરાવાની સાંકળ ગુંથવામાં થોડો સમય લાગે છે. આ બાબતે પણ વિશેષ ટેકનોલોજીની મદદ માટે પણ પ્રયાસો ચાલી રહયા છે.

ગત વર્ષે ચાઇલ્ડ પોનોગ્રાફીની ૧૦૬૬ જેટલી ફરીયાદો થઇ છે તેમાં રાજકોટ રેન્જના ડીઆઇજી સંદીપસિંહની જાગૃતીથી સાઇબર ક્રાઇમના પીઆઇ શ્રી ડોડીયા ટીમે ૭૨ જેટલી ફરીયાદો મેળવી આ ફરીયાદોના નિકાલ માટે તથા આરોપીઓને ઝડપી શકાય  તે માટે સઘન પ્રયત્નો થઇ રહયા છે. રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંહે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ચાઇલ્ડ પોનોગ્રાફી ફરીયાદો અમારા માટે પ્રાથમીકતા રહી છે.  એ દિશામાં કોઇ કચાશ રાખવામાં આવતી નથી.

અત્રે યાદ રહે કે આવી ફરીયાદો રાજકોટ  શહેર પોલીસને પણ મળતા રાજયના એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસ અને રાજકોટના ટેકનોસેવી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ જાતે જ સાયબર સેલને કઇ રીતે આવી ફરીયાદો ઝડપથી નિકાલ થાય  અને આરોપીઓ કઇ રીતે સકંજામાં આવે તેનું માર્ગદર્શન આપી રહયા છે. આજ રીતે સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, વડોદરા પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને સાયબર સેલના એસીપી ભરત રાઠોડ ટીમ પણ આ પડકારજનક અને ગંભીર ફરીયાદોના આરોપીઓને સકંજામાં લેવા સતત કાર્યરત બન્યા છે.

સીઆઇડી ક્રાઇમ દ્વારા દિલ્હીની પણ મદદ મળી રહી છે.

(12:22 pm IST)