Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

પ્રથમ એક કરોડ માંગ્યા બાદ ૪પ લાખની લાંચ લેનાર આરોપી અમદાવાદના પીઆઇ જે.કે. રાઠોડની બદલી

ઉચ્ચ અધિકારીઓના નામે અ-ધ-ધ રકમની લાંચ માંગવાની ફરીયાદમાં નવો વણાંકઃ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા પગલું : એડીશ્નલ પોલીસ કમિશ્નર ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ એસીપી દેસાઇ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા, ૨૯: અમદાવાદના ઇન્ચાર્જ  પીઆઇ શ્વેતા જાડેજાના દુષ્કર્મના કહેવાતા આરોપી પાસેથી લાખોની લાંચ પોતાના બનેવી મારફત લીધાના રાજયભરમાં ચકચારી ઘટનાના પડઘા શાંત થયા ન હતા.  ત્યાં જ  અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકના પીઆઇ જે.કે.રાઠોડ સામે  એક કરોડની લાંચ માંગી ૪પ લાખ અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામે મગાયાની ચકચાર મચાવતી ફરીયાદનો પડઘો પડયો છે. આરોપી પીઆઇની તપાસમાં સરળતા રહે તેવા હેતુથી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા  આરોપી પીઆઇ જે.કે.રાઠોડની પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરી તેમના સ્થાને અમદાવાદ શહેર ટ્રાફીક બ્રાન્ચના પીઆઇ જે.આર.પટેલને મુકવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકના પીઆઇ જે.કે.રાઠોડ સામે એક દંપતીની મદદથી બિલ્ડર સુનીલ ભંડારી પાસે પ્રથમ એક કરોડ ત્યાર બાદ ૭૦ લાખની માંગ કરી ૪પ લાખ રૂપીયા લઇ બાકીના રપ લાખ માટે ઉચ્ચ અધિકારીઓના  નામે માંગવામાં આવ્યાના આરોપસરની ફરીયાદ થતા જ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ચોંકી ઉઠયા હતા.

સમગ્ર મામલાની તપાસ અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર દરજજાના સેકટર વડા ગૌતમ પરમારના માર્ગદર્શનમાં જે ડીવીઝનના એસીપી શ્રી દેસાઇને તપાસ સુપ્રત કરવામાં આવી છે તે બાબત જાણીતી છે.

અધધ રકમની લાંચ અને તેમાં મોટી રકમના ડીસ્કાઉન્ટ બાદ પાછળથી વધુ રપ લાખ માંગવાના આરોપસરની આ ફરીયાદમાં પણ કહેવાતા દુષ્કર્મનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવા સાથે ઉચ્ચ અધિકારીઓ મહિલાઓના મામલામાં ખુબ જ સખ્તાઇ દાખવતા હોવાની ધમકી સંબંધક પીઆઇ દ્વારા અપાયાના પણ આરોપ પોલીસ કમિશ્નરને થયેલી અરજીમાં કરવામાં આવતા તપાસનો ધમધમાટ ચાલી રહયો છે.

(12:22 pm IST)