Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગુજરાતમાં 31 ઓક્‍ટોબરથી શરૂ થનાર સી પ્‍લેન સેવાને પીએમ મોદી લીલીઝંડી બતાવશે?

ગાંધીનગર: ગુજરાતમાં સી પ્લેન સેવાનો 31મી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ કરવામાં આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમ, ધરોઈમા 31મી ઓક્ટોબરે સી પ્લેન ચાલુ કરવા માટે કવાયત શરૂ કરાઈ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. કાર્યક્રમના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેન દ્વારા પ્રધાનમંત્રી અમદાવાદ રિવરફ્રન્ટ આવી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સી પ્લેન સેવા સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવનાર છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બેઠક કરશે.

ઓક્ટોબર માસથી ગુજરાતમાં બે સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ બે રૂટ શરૂ કરવામાં આવશે. સી પ્લેનનો ટુરિઝમનો વ્યાપક રીતે ઉપયોગ થયા છે. વિદેશોમાં સી પ્લેનનો ઉપયોગ થયા છે. ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ થયા તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ કર્યા હતા. જેના ભાગ રૂપે આ પ્રોજેક્ટ માટે દેશભરમાં 16 રૂટ પસંદ કરવામાં આવ્યા છે. આ 16 રૂટમાંથી ગુજરાતના 2 સ્થળને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં પહેલા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 200 કિમી પર સી પ્લેન શરૂ કરવામાં આવશે.

બીજા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધીના 250 કિમી વચ્ચે સી પ્લેન શરૂ કરવામાં આવશે. આ બંને જગ્યા પ્રવાસનની દ્રષ્ટિએ વધારે મહત્વ ધરાવે છે. આ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બંને ડેમ સાઇટ પર જેટી ઉભી કરવામાં આવશે અને આગળ અન્ય કામો ઝડપથી પુરા કરવામાં આવશે. આ બંને રૂટ પર ઓક્ટોબર સુધીમાં પ્લેન શરૂ થઈ જાય તેવું આયોજન છે.

દેશના અલગ અળગ રાજ્યોમાં સી પ્લેન મથકો બનાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જેથી ટૂરિઝમને પણ વેગ મળશે. ધાર્મિક માન્યતા ધરાવતા સ્થળો પરથી કનેક્ટિવિટી સારી રહેશે. શરૂઆતી તબક્કા માટે સરકારે 5 સ્થળોની પસંદગી કરી છે. તેમાં ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને અસમનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં ચિલ્કા લેક (ઓરિસ્સા), સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ (ગુજરાત) પર કામ થશે.

ગત્ત વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સી પ્લેનની મુસાફરી કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદી સાબરમતીના કિનારેથી સી પ્લેનમાં બેસીને અંબાજી મંદિર સુધી ગયા હતા. વડાપ્રધાને ત્યારે જ સ્પષ્ટતા કરી હતી કે સાબરમતીમાં આગામી દિવસોમાં પણ સી પ્લેન દ્વારા જ ઉતરશે.

(5:02 pm IST)