Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

હોસ્પિટલમાં સિગારેટ ફુંકતા આરોપીઓનો વીડિયો વાયરલ

સુરતની સિવિલમાં કોરોના વોર્ડમાં જલસા : કોરોના વોર્ડમાં પોલીસ જાપ્તાની હેઠળ રખાયેલા કેદીઓની જાહોજલાલી, સિવિલ તેમજ પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું

સુરત,તા.૨૯ : સુરતની નવી સિવિલ હોસ્પિટલ કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ આરોપીઓ પોલીસ ઝાપતામાં હોય છે, ત્યારે આરોપીઓ કોરોના વોર્ડમાં સિગારેટ ફૂંકતા ફૂંકતા મોબાઈલ ફોન પર ગેમ રમતા હોવાનો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસ ઝાપતામાં રહેલા આરોપીઓ પાસે કા તો સિવિલ હોસ્પિટલ સ્ટાફ અથવા પોલીસ દ્વારા નમતું જોખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યુ છે. આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેના કારણે અન્ય દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની સાથે સાથે જ સલામતીના ગંભીર સવાલો પણ સર્જાયા છે.

                સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં ગુનામાં અટકાયતમાં લેવામાં આવેલા આરોપીને કોરોના મહામારીના કારણે ધરપકડ બાદ પહેંલા તેમનો કોરોના રિપોર્ટ કરુવામાં આવે છે, અને જો આરોપીને શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સુરતની નવી  સિવિલ ખાતે આવેલ જૂના બિંલ્ડિગ ખાતે આરોપી માટે એક વૉર્ડડ તૈયાર કરવામાં આ્યો છે ત્યાં સારવાર આપવામાં આવે છે. જોકે આ તમામ આરોપીને દાખલ કર્યા હોય તે દરમિયાન અહીંયા પોલીસને મૂકવામાં આવે છે, ત્યારે આ આરોપી પોતાના વોર્ડમાં પોતાના બેડ પર હાથકડી પહેરીને બેઠેલા જોવા મળે છે. ત્યારે ગતરોજ એક વીડિયો વાઇરલ થયો છે. તેમાં આ આરોપી કોરોના વોર્ડમાં હાથકડી સાથે સિગારેટના કસ મારતા જોવા મળ્યા હતા. જોકે બીજી બાજુ આરોપી મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જોકે આરોપી પોલીસ જાપ્તામાં હોવા છતાં તેમની પાસે સિગારેટ અને મોબાઈલ ફોન ક્યાંથી આવ્યા તેને લઇને અનેક સવાલ ઊભા થવા પામ્યા છે. આ તમામની વચ્ચે સુરત પોલીસની લાલિયા વાડી સામે આવી છે કારણ કે તેમના સહયોગ વગર કોરોના વોર્ડમાં જાપ્તા હેઠળ સારવાર લઈ રહેલા કેદીઓને પાન-બીડી સિગારેટ જેવા માદક દૃવ્યો મળવા મુશ્કેલ છે.

(7:33 pm IST)