Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુત સંમેલન યોજાયું : કડી,જોટાણા અને બેચરાજી તાલુકાના ખેડુતોને માર્ગદર્શિત કરાયા : ડાંગરવા ખાતે રૂ.૪૧ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ : કડી કોટન માર્કેટ યાર્ડના મુખ્યપ્રેવશ દ્વાર અને ૧૦૦ ટન વે બ્રિજનું લોકાર્પણ : નિતીનભાઇ દ્વારા કડી કોટન માર્કેટયાર્ડના મુખ્ય દ્વારે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ

ગાંધીનગર : મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા ખેડુત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી  નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે “સાત પગલાં ખેડૂત કલ્યાણના.’  સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. એજ રીતે કરા, માવઠુ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને બેઠા કરવા તથા આર્થિક રીતે સદ્ધર કરવા માટે રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે.

   નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી નિર્ણય અમે કર્યો છે. તેમણે ઉમેર્યુ કે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના ગુડ્ઝ કેરિયર વાહન ઉપર સહાય આપવાની આ સરકારે શરૂઆત કરી છે. ફળ,શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડુતોના હિતમાં ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડુત દીઠ વાર્ષિક રૂા.૦૬હજારની સહાય આપવામાં આવે છે. તેમણે મહેસાણા જિલ્લાના કિસાનોને ટપક સિંચાઇ યોજનાનો લાભ લેવા ખાસ અનુંરોધ કર્યો હતો.

   નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે  કોરોના પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ રાજ્યભરમાં કરોડો રૂપિયાની લોન બે ટકાના વ્યાજ દરે આપવામાં આવી છે. આ યોજનામાં નાગરિકો વતી છ ટકા વ્યાજ સરકાર દ્વારા ચુકવાવમાં આવે છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણથી આવન-જાવન કરતા નાગરિકોને પ્રેરણા મળશે. દેશ એકતા અને અખંડિતા સાથે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વગૂરૂ બનવા  જઇ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કડી કોટન માર્કેટયાર્ડના મુખ્યપ્રવેશ દ્વાર તેમજ કોટન માર્કેટ યાર્ડના પ્રવેશદ્વાર પર સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુતોના હિતમાં ૧૦૦ ટન વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

  નાયબ મુખ્યમંત્રીએ  રૂ.૪૦.૮૨ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગના સંયુકત સહયોગથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણથી ડાંગરવા રસ્તા પર નિર્મિત રેલ્વે ઓવબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ રેલ્વે ઓવરબ્રિજ બનવાથી ડાંગરવા અને ઝુલાસણ ગામના નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે.

  નાયબ મુખ્યમંત્રીએ  કડી કોટન માર્કેટયાર્ડ ખાતે કોટન ટેસ્ટિંગ લેબોરેટરી રૂમનું નીરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. ખેડુત સંમેલનમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વરસાદી વીજળીથી મૃત્યુ પામેલ પશુઓના માલિક લાભાર્થીને ચેક સહાય અપાઇ હતી.

  આ કાર્યક્રમમાં સંસદ શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લાના અધિકારી,પદાધિકારીઓ, અગ્રણીઓ,પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(7:36 pm IST)