Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

દુનિયાભર ના વિકસિત શહેરો પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષા-પ્રાદેશિક ભાષામાં આપવાનું સ્વીકારે છે ત્યારે ભારત દેશ એ પણ એ દિશામાં વિચારવું પડશે બાળકો જે ભાષામાં વિચારે તે જ ભાષામાં જો તેને શિક્ષણ અપાય તો બાળકની પ્રતિભા ખીલી ઉઠે છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

પંજાબ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા વેબીનારમાં નવી શિક્ષણ નીતિ -૨૦૨૦ અંગે રાજ્યપાલ દેવવ્રત વક્તવ્ય યોજયું..

ગાંધીનગર : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પંજાબ યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ-2020 સંદર્ભે  યોજવામાં આવેલા વેબીનારને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓના સર્વાગી વિકાસ માટે આધુનિકતા સાથે સાંસ્કૃતિક મૂલ્યોના મહત્ત્વને સાંકળીને નવી પેઢીને નવું દિશા દર્શન કરનારી નવી શિક્ષણ નીતિ-2020 જાહેર કરી છે.તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દુનિયાભરના વિકસીત રાષ્ટ્રો પ્રાથમિક શિક્ષણ પોતાની   માતૃભાષા-પ્રાદેશિક ભાષામાં આપવાનું સ્વીકારે છે ત્યારે ભારત દેશે પણ એ દિશામાં વિચારવું પડશે કારણ કે બાળક જે ભાષામાં વિચારે છે એ જ ભાષામાં જો તેને શિક્ષણ આપવામાં આવે તો બાળકની પ્રતિભા ખીલી ઉઠે છે. વિદેશી ભાષામાં શિક્ષણ આપવાના પ્રયાસમાં બાળક શુરૂઆતના વર્ષોમાં માત્ર ભાષા શીખે છે, જ્ઞાન મેળવતું નથી. તેમણે વાહ વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્ત્વની સાથે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપવામાં નવી શિક્ષણ નીતિ ખાસ ભાર મૂકે છે તે વાતને દોહરાવતા ઉમેર્યું હતું કે હવે બાળક પોતાની  રૂચિ પ્રમાણે છઠ્ઠા ધોરણથી કૌશલ્ય વિકાસ માટે ઇન્ટર્નશીપ કરી શકશે.

       અગાઉની શિક્ષણ નીતિ અનુસાર વિજ્ઞાન પ્રવાહ, આર્ટસ, કોમર્સ વગેરે માધ્યમોમાં અંતર હતું તે નવી શિક્ષણ નીતિમાં નહીં હોય. હવે બાળક બહુ વિકલ્પી વિષયો સાથે અભ્યાસ કરી શકશે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, સંજોગોવશાત વિદ્યાર્થી કોલેજ શિક્ષણ પૂરું નથી કરી શકતો તો હવે નવી શિક્ષણ નીતિ અનુસાર કોલેજના એક વર્ષ બાદ સર્ટિફિકેટ, બે વર્ષ બાદ ડિપ્લોમા અને ત્રણ વર્ષ બાદ ડિગ્રી એનાયત થશે. એટલું જ નહીં અધૂરું છોડી દીધેલું શિક્ષણ વિદ્યાર્થી પોતાની સાનુકૂળતા અનુસાર ફરીથી શરૂ કરી શકે તેવી મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ આ નવી શિક્ષણ નીતિ ની આગવી વિશેષતાઓ રહેશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભાષા વિસરાઈ જાય તો સંસ્કૃતિ નષ્ટ પામે છે, ભારતીય સંસ્કૃતિ ભારતની પ્રાચીન એવી સંસ્કૃત, પ્રાકૃતિ કે પાલી ભાષામાં અકબંધ છે. વેદ-પુરાણો-શાસ્ત્રો ને સમજવા પ્રાચીન ભાષા ને જાણવી પડશે. જેની ખેવના પણ આ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મનુષ્યને ખરા અર્થમાં માનવ                                                  બનાવવાના સંસ્કાર સાંસ્કૃતિક મૂલ્યોના જતનથી મળે છે. સર્વેત્ર સુખિનઃ સન્તુ અને વસુધૈવ કુટુંબકમ્‌ ના સંસ્કાર આપનારી ભારતીય સંસ્કૃતિથી યુવાપેઢી સંસ્કારિત બને તેની વાત નવી શિક્ષણ નીતિમાં છે, આતંકવાદ, વૈમનસ્ય, યુદ્ધ જેવી સમસ્યાના મૂળમાં સંસ્કારથી વિમુખ થતું શિક્ષણ છે, તેવી ટકોર પણ તેમણે કરી હતી.

      રાજ્યપાલક્ષીએ નવી શિક્ષણ નીતિને જ્ઞાન-સંપન્ન ભારત, આત્મ નિર્ભર ભારત અને યુવા ભારતીયને, સાંસ્કૃતિક મૂલ્યો સાથે જ્ઞાનવાન, કૌશલ્યવાન બનાવી ગ્લોબલ સિટીઝનના નિર્માણ માટેનાં મહત્વના પગલાં સ્વરૂપે ગણાવી હતી.

       આ વેબિનારની શરૂઆતમાં પંજાબ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રાજ કુમારે નવી શિક્ષણ નીતિ-2020 અને તેના અમલીકરણ વિશે વિશેષ માહિતી આપી હતી, જ્યારે હોટેલ મેનેજમેન્ટ અને ટુરિઝમ વિભાગના ડાયરેક્ટર ડૉ. અનિશ સ્લાથ અને ડીન પ્રો. આર. કે. શિંગલાએ નવી શિક્ષણ નીતિ સંદર્ભે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા.

(8:31 pm IST)