Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ખેડા જિલ્લામાં એલસીબીની ટીમે સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને આણંદ નજીકથી ઝડપી પાડ્યો

ખેડા: જિલ્લા એલસીબી પોલીસની ટીમ આજે વહેલી સવારના સમયે નડિયાદ તાલુકાના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે વખતે આણંદથી અમદાવાદ તરફ જતી એક સ્કોર્પિયો કારમાં દેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસની ટીમે ચકલાસી ઓવરબ્રિજ નં ૧૫ ઉપર વોચ ગોઠવી હતી.

દરમિયાન આણંદ તરફથી સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી નં. જીજે-૦૧, એચકે-૭૮૯૭ આવતાં પોલીસે તેને રોકી હતી. અને ગાડીના ચાલક વાસુદેવ સામંતભાઈ તળપદા (રહે.શક્તિનગર, ચલાલી, તા.નડિયાદ)ની અટકાયત કરી ગાડીની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ગાડીના વચ્ચે તેમજ પાછળની સીટો ઉપર મુકેલા કોથળામાંથી કુલ ૬૯૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવી ક્યાં લઈ જવાતો હતો તે બાબતે પકડાયેલા વાસુદેવ તળપદાની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આણંદ તાલુકાના રૂપારેલ ગામમાં રહેતાં સહદેવભાઈ ઉર્ફે ટીનાભાઈ કનુભાઈ તળપદા પાસેથી દારૂનો જથ્થો લાવી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ નહેરૂનગર છાપરામાં રહેતાં ટીનાભાઈ રવાજી ઠાકોરને પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી.

(5:25 pm IST)