Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોરોના કોઇનો સગો થતો નથી, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી

લેખકઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) : વૈશ્વિક કોવીડ-૧૯ મહામારી સામે આખી દુનિયા લડી રહી છે. કોરોના વાયરસ અનેક લોકોને ભરખી ગયો છે. કોરોના વાયરસની અડફેટે અત્યાર સુધીમાં સામાન્ય માનવી તો શુ પણ અનેક નેતા, અભિનેતા, સાધુ સંતો, ખેલાડી, વેપારી, ડોક્ટર્સ, મેડીકલ સ્ટાફ સહિતના લોકો આવી ગયા છે. અનેક લોકો પાણીની જેમ પૈસા ખર્ચવા છતાં પણ મૌતના મુખમાંથી પાછા નથી આવી શક્યા અને કોરોના સામેની લડાઇમાં જીંદગીનો જંગ હારી ચુક્યા છે. કોરોના સામેની લડાઇ લડવી તે કાંઇ સહેલી વાત નથી. માત્ર ભારત સરકાર, રાજ્ય સરકાર, સ્વૈચ્છીક સંસ્થાઓ, વિવિધ સરકારી વિભાગોના પ્રયત્નોથી કોરોના વાયરસને ક્યારેય પણ હરાવી શકાશે નહી. કોરોના સામેની લડાઇમાં જનતા જનાર્દને સ્વયં જાગૃત થવુ જ પડશે. કોરોનાની વેક્સિન માટે ભારત સહિત દુનિયાભરના લોકો પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ કોરોનાની વેક્સિન કેટલી સફળ રહેશે તે અત્યારથી કહેવુ મુશ્કેલ છે. એ પણ વાસ્તવીકતા જ છે કે જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહી આવે ત્યાં સુધી કોરના વાયરસને હરાવવો મુશ્કેલ છે. ભુતકાળમાં આપણે સૌ સાથે મળીને શિતળા, પોલીયો જેવા વાયરસને હરાવી શક્યા છીએ અને તેને હરાવવા માટે વેક્સિને ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. આપણે ચોક્ક્સ સાથે મળીને લડીશુ તો કોરોનાને હરાવી શકીશુ પરંતુ કોરોનાની વેક્સિન ન આવે ત્યા સુધી સાવચેતી રાખવાની આવશ્યકતા છે. કોરોના કોઇનો સગો થતો નથી, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી.
    જો અમદાવાદની વાત કરવામાં આવે તો રાત્રીના સમયે અનેક લોકો કોરોના વાયરસનો ડર ન હોય તેવી રીતે ટોળે વળીને બેસતા હતા અને ઘણા લોકો તો માસ્ક પણ પહેરતા ન હતા. જેના કારણે તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા અમદાવાદના 27 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા પછી દવાની દુકાનો સિવાય ખાણીપીણી સહિત તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ વિસ્તારમાં આવતા એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સસિટી રોડ, ઇસ્કોન વગેરે જગ્યાએ યુવાનો ટોળામાં બેસી રહેતા, જેઓ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા. કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે આ તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસી રહેતા હતા, જેને લઈને આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય લીધો હતો. જો વાત કરવામાં આવે કે અમદાવાદ શહેર માટે આવો નિર્ણય શા માટે કરવો પડ્યો તો તેના વિશે પણ આપણે થોડી વાત કરીએ. લૉકડાઉન પછી તબક્કાવાર રીતે અનલૉક શરૂ કરાયું હતું. ધીમે ધીમે સમગ્ર  અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોય તેવું લાગતું હતું. રેસ્ટોરન્ટ પણ 11 વાગ્યા સુધી ખોલવાની છૂટ અપાઈ હતી. ખાણી-પીણીના જાણીતા ફૂડ જોઈન્ટ પણ મોડી રાત સુધી ધમધમવા માંડ્યા હતા પરંતુ લોકો ત્યાં ભેગા થઈને કોરોનાનો ભય હોવા છતાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરતા ન હતા. યુવાનો ટોળે વળીને પોતાના વાહનો લઈ જે તે સ્થળે બેસતા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા તથા માસ્ક પણ પહેરતા નહોતા. જેના કારણે જ અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપવો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
    જો કોરોના વાયરસના લક્ષણોની વાત કરવામાં આવે તો તાવ, કફ વહેતું નાક, માથાનો દુઃખાવો, શરીર ધ્રુજવુ, ગળાનો દુઃખાવો, શ્વાસની તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.  જો આવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો આવા વ્યક્તિએ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. કોરોના વાયરસ અંગે વધુ જાણકારી માટે 104 નંબર પર પણ કોલ કરી શકાય છે. કોરોના વાયરસથી બચવા માટે  છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકવું તથા માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવું, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જોઇએ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. જો તમને માંદગી જણાતી હોય તો તમારે આરામ કરવો જોઈએ અને ભરપુર પ્રવાહીનું સેવન કરવું જોઈએ. પૌષ્ટિક આહાર લેવો જોઈએ. કુટુંબના અન્ય સદસ્યોથી અલગ રૂમમાં રહેવું જોઇએ અને શક્ય હોય તો પોતાના માટે અલગ બાથરૂમનો ઉપયોગ કરવો જોઇએ. સ્પર્શ કરેલ સપાટીઓને વારંવાર સાફ અને જંતુમૂક્ત કરવી જોઇએ. આ ઉપરાંત દરેક ઘરમાં એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. સ્વસ્થ આહાર, પર્યાપ્ત ઊંઘ લો, સક્રિય રહો અને તમારા પ્રિયજનો સાથે ફોન અથવા ઇન્ટરનેટ મારફતે સામાજિક સંપર્ક રાખો. મુશ્કેલ સમય દરમિયાન બાળકોને વડિલો તરફથી વધુ પ્રેમ અને ધ્યાનની જરૂર હોય છે. અનેક લોકો આયુર્વેદ પધ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય અપનાવી રહ્યા છે. ક્વાથ : પથ્યાદીક્વાથ, દશમૂલ ક્વાથ , નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકટુ.  તુલસીના બે ચમચી રસ માં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું. ઔષધસિધ્ધ જલ : સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી (અથવા સૂંઠ ૨ ચમચી)ને ૧૦ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું. ધૂપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ - ૧૦ ગ્રા.,સરસવ - ૧૦ ગ્રા. ,લીમડાના પાન - ૧૦ ગ્રા. અને ગાયના ઘી - ૨૦ ગ્રા. મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો જોઇએ. હોમિયોપથી સબંધિત રક્ષણાત્મક ઉપાયો તરીકે આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. જો વાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી જોઇએ.
    આપણી સલામતી આપણા હાથમાં જ છે. હવે આપણે શું કરવું તે આપણે નક્કી કરવાનું છે. કોરોના વાયરસ કોઇની સાથે સબંધ નિભાવતો નથી અને કોઇને બીજી તક પણ આપતો નથી. કોરોના રાજા હોય કે રંક કોઇને પણ છોડતો નથી. પરંતુ એ વાત પણ ચોક્કસ છે કે કોરોના સામે ચાલીને કોઇના ઘરે પણ જતો નથી. જો તમે કોરોનાને લેવા જાવ તો જ આવે છે. જો આપણે થોડા પણ બેદરકાર રહ્યા તો કોરોનાનો ભોગ બની શકીએ છીએ. કોરોના વાયરસથી આપણે ગભરાવાની કોઇ જરૂર નથી પરંતુ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વડિલોએ અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળવુ જોઇએ. ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઇએ કે કોરોના વાયરસથી બચવા માટે  છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકીશુ તથા માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. આપણે સૌ સાથે મળીને કોરોના વાયરસને હરાવીશુ પરંતુ વેક્સિન ન આવે ત્યા સુધી સતર્ક પણ રહેવું પડશે.

(5:39 pm IST)