Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

તમામ સીટો જીતવા માટેનો ભાજપ અને કોંગ્રેસનો દાવો

રાજ્યમાં પેટાચૂંટણીની જાહેરાત બાદ પક્ષોનો દાવો : પેટાચૂંટણી જાહેર થતાં ૮ બેઠક પર આચારસંહિતા અમલી

ગાંધીનગર, તા. ૨૯ : ગુજરાતની આઠ બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં તમામ બેઠક પર આગામી ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે ૧૦મી નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. ચૂંટણી જાહેરાત થતાં બંને પાર્ટી તરફથી જીતના દાવા કરવામાં આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કહેવા પ્રમાણે તમામ બેઠક પર કૉંગ્રેસ પાર્ટીનો વિજય થશે. બીજી તરફ કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક જીતી રહી છે.

આઠેય બેઠક પર ચૂંટણીની તારીખ જાહેર કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. આઠેય બેઠક પર પક્ષ અને પ્રજા સાથે દગો કરનાર લોકોને પાઠ ભણાવવાનું લોકોએ નક્કી કરી લીધું છે. જ્યારે જ્યારે જનાદેશનું અપમાન થયું છે ત્યારે પ્રજાએ તેનો પરચો બતાવ્યો છે. આઠેય પેટાચૂંટણીમાં પણ કાર્યકરો અને લોકો કૉંગ્રેસને આશીર્વાદ આપશે. આઠેય બેઠક પર કૉંગ્રેસનો વિજય થશે. ઉમેદવારની પસંદગી માટે અમારી પ્રભારી તમામનો અભિપ્રાય લઈ ચૂક્યા છે. મામટે યોગ્ય સમય નામ જાહેર કરવામાં આવશે.

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા બ્રિજેશ મેરજાએ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તમામ આઠેય બેઠક પરથી ચૂંટણી જીતી રહી છે. ઉલ્લેખનીય છે કે તમામ બેઠક કૉંગ્રેસના ધારસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી છે. ભારતીય જનતા પાર્ટીનો તમામ બેઠક પર જીતનો દાવો કરતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, *કેન્દ્ર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ પાયાના કામ કર્યા છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર પોતે ચૂંટણી લડતો હોય તેવા ઉત્સાહથી કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોને વિશ્વાસ છે. આઠેય બેઠક પર જે પણ ઉમેદવાર ઊભો રહેશે તે ચૂંટણી જીતશે.*બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આઠમાંથી પાંચ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. જોકે, અહીં પણ જોવાનું રહ્યું કે ગત પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક પરથી આયાતી ઉમેદવારની હાર થઈ હતી. રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલા ભાજપની ટિકિટ પરથી ચૂંટણી હારી ગયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે ગઢડા, લીંબડી અને ડાંગ સિવાયની બેઠક પર ભાજપ આયાતી ઉમેદવારને ટિકિટ આપશે.

(9:35 pm IST)