Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આયુષ્માન ભારત યોજનાઃ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ ગ્રામ્યના લાભાર્થીઓના 74 કરોડના 29,805 ક્લેમ મંજૂર

જિલ્લામાં 145 સરકારી હોસ્પિટલો તથા 90 ખાનગી હોસ્પિટલોનો યોજનામાં સમાવેશ

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓના કુલ 74 કરોડના 29,805 ક્લેમ(દાવા) છેલા બે વર્ષમાં મંજૂર થયા છે. અમદાવાદ જીલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 225 હોસ્પિટલ જોડાયેલી છે. જેમાં 145 સરકારી હોસ્પિટલો તથા 90 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકાર દ્વારા નિયત કરેલ 2011 એસ.ઇ.સી.સી. (સોશિયલ ઇકોનોમિક કાસ્ટ સેન્સસ) યાદીમાં જે કુટુંબના નામ સમાવિષ્ટ હોય તેમને દર વર્ષે પાંચ લાખ સુધી તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલી સમગ્ર દેશની કોઈપણ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીને મફત-કેશલેસ સારવાર આપવામાં આવે છે. ઉપરાંત દર્દીને આવવા – જવાના ભાડા પેટે 300 રૂપિયા હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2011ના એસ.ઇ.સી.સી. સર્વેક્ષણમાં સમાવિષ્ટ કુટુંબોને જ લાભ મળવા પાત્ર છે. જો કુટુંબમાં કોઈ નવા સભ્યનો ઉમેરો થાય તો તેને પણ લાભ મળવાપાત્ર છે. ગુજરાત રાજ્યમાં ‘મા યોજના’ તથા ‘મા વાત્સલ્ય યોજના’ અંતર્ગત આવેલા તમામ લાભાર્થીઓને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ પ્રાઇમરી, સેકંડરી અને ટર્શરી (ગંભીર) સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલી હોસ્પિટલમાં કુલ 1,762 જેટલા નિયત કરેલા રોગોની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જીલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ 2011ના એસ.ઇ.સી.સી. યાદી મુજબ અમદાવાદ ગ્રામ્યના કુલ 2,30,244 કુટુંબના સભ્યોના ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવેલા છે.

તેઓના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં ગ્રામ્ય કક્ષાએ ૫૦ જેટલા કેમ્પ-શિબિર કરી યોજનાને વધુંમાં વધું લાભર્થીઓ સુધી પહોચાડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે.  આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 25 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. ઉક્ત યોજનાને બે વર્ષ પૂર્ણ થતા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ‘આરોગ્ય મંથન 2.0-પખવાડિયા’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં યોજના અંગે જાગૃતિપ્રેરક કાર્યક્રમો યોજાયા હતા. કોવિડની પરિસ્થિતિને ધ્યાને રાખી ઓનલાઇન વેબિનારનું આયોજન કરાયું હતું.

(10:14 pm IST)