Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બીડ (રસેલા) ગામમાં ગટરલાઇન તુટી જતા રોગચાળો ફેલાઈ તેવી દહેશત બાબતે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રસેલા ગામના બીડ ફળીયાના રહેતા લોકોએ આજરોજ નર્મદા કલકેટરને આવેદનપત્ર આપી તેમની ગટર અને પાણીની ગંભીર તકલીફ બાબતે રજુઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બીડ ગામમાં ભાગોળમાં ગટરલાઇન છેલ્લા છ માસથી તુટી જતાં ભારે ગંદકી ફેલાયેલ છે.ગામ લોકોને ગામમાં આવવા જવામાં ખુબજ તકલીફ પડે છે. હાલ કોરોના કાળ દરમ્યાન આ ગંદકીના કારણે અમારા ગામમાં બીજા ભયજનક રોગો ફેલાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ ગંદકીના કારણે ગામની પ્રાથમિક શાળાનાં ભુલકાઓને બીડ ગામના મંદિરમાં બેસાડી અભ્યાસ કરવો પડે તેવી પરીસ્થિતી સર્જાઇ છે.ગંદકીના કારણે શાળામાં ભણતા નાના બાળકોને ડેંગ્યુ, મેલેરીયા,ટાઇફોડ જેવી ગંભીર બિમારીઓ થાય એમ હોવાથી બીડના ગામના લોકોએ રસેલા સરપંચ દલપત ભાઇ વસાવા ને છેલ્લા છ માસથી મૌખીક રજુઆતો કરવા છતા ગટરલાઇન બાબતે અત્યાર સુધી કોઇ પણ કામગીરી હાથ ધરેલ નથી.તેમજ બીડ ગામમાં ૧૫૦ થી વધુ લોકો ૪૦ જેટલા ઘરોમાં વસવાટ કરે છે,ગામમાં પીવાના પાણીના ત્રણ બોર આવેલા છે. જેમાથી બે બોરની મોટર છેલ્લા ત્રણ વર્ષ થી સરપંચ દ્વારા કાઢી લેવામાં આવી છે.અને હજુ સુધી એ બે બોરમાં મોટર ન નાખતા ભંગાર હાલતમાં પડી રહ્યા છે. ફક્ત એક બોર મોટર થી બીડ ગામનાં ગ્રામજનો ને પાણી અપાઈ છે તે પણ છેલ્લા પંદર દિવસથી મોટર બગડતા બીડ ગામની મહિલાઓ ચાલીને બીડ ગામ પાસે આવેલ ફ્રુટ પેક હાઉસમાથી પાણી ભરી લાવવા મજબુર બની છે. માટે  સરપંચ દલપતભાઇ વસાવા તથા રસેલા ગ્રામપંચાયતના તમામ સભ્યોને બરખાસ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય અપાવવા બીડ ગામના લોકોએ રજુઆત કરી છે, સાથે સાથે જો ટુંક સમયમાં સરપંચ તથા ગ્રામપંચાતના સભ્યોને બરખાસ્ત નહીં કરવામાં આવે અને બીડ ગામના ગ્રામજનોના પ્રશ્નોનો કોઇ નીકાલ નહી આવે તો બીડ ગામના ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આવેદનમાં ઉચ્ચારી છે.
 જોકે ગામના ડેપ્યુટી સરપંચ પીયૂષભાઈ જાદવે આ બાબતે જણાવ્યું કે આ બાબત ખોટી છે હવે ચૂંટણી નજીકમાં હોય માટે આ રાજકારણ છે.બાકી ગામમાં લોકો પાણીનો બહુ બગાડ કરી રોડ પર પાણી વહેતા કીચડ થાય છે,અને પીવાના પાણી ની ચાર પાંચ દિવસથી મોટર બગડી એ સાચી વાત છે જેમાં ટેન્કર દ્વારા અમે લોકોને પાણી આપીએ છીએ.

(11:22 am IST)