Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦થી ઓછી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૨૦% વધ્યું

યુવાનોમાં હાર્ટઅટેક માટે સ્ટ્રેસઃ આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત

આમદાવાદ, તા.૨૯: આજે, ૨૯મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હૃદય દિવસ (World Heart Day) તરીકે મનાવવામાં આવે છે. હૃદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે. આ સંદર્ભે ડોકટર જયલ શાહે જણાવ્યું હતું કે, એક અભ્યાસ પ્રમાણે, ૯૦ના દશકમાં જોવા મળતા હાર્ટ અટેકના પ્રમાણ કરતા છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૨૦ ટકા જેટલું વધ્યું છે. અગાઉ ૫૦થી ૬૦ના વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળતા હતા. પરંતુ હાલ ૩૦થી ૪૦ના વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.

યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ ડોકટર જયલ શાહ યુવાનોમાં હાર્ટ અટેક માટે સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત હોવાનું જણાવે છે.તેમના મતે યુવાનોમાં કામનું ભારણ, સ્ટ્રેસ, કારકિર્દીને લગતી ચિંતા,ખોરાકની અનિયમિતતા, મેદસ્વીપણુ,અપૂરતી ઉંધ પણ હાર્ટ અટેકને નોતરતા હોવાનું અનુમાન છે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ૨૬ વર્ષના યોગેશભાઇ પંચાલને હાર્ટ એટેક આવ્યો હતો.જોકે, સમયસર યુ. એન. મહેતામાં સારવાર મળી ગઈ હતી. ડોકટર જયલ શાહ અને તેમની ટીમ દ્વારા યોગેશભાઇની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. જેમાં હૃદયની ડાબી બાજુની આર્ટરીમાં થયેલા ૧૦૦ ટકા બ્લોકેજને દૂર કરી તેને નિયંત્રિત કરવા સ્ટેન્ટ મૂકવામાં આવ્યું.

સર્જરી બાદ સંપૂર્ણપણે સાજા થઇ ગયેલા યોગેશભાઇએ જણાવ્યું હતું કે, છાતીમાં અસહ્ય દુઃખાવો થતા  ગભરાઇ ગયો હતો. મારા મિત્રો જયારે યુ.એન. મહેતા લઇ આવ્યા ત્યારે અર્ધજાગૃત અવસ્થામાં આવ્યો.સમગ્ર સારવાર થઇ ગઇ, સ્ટેન્ટ મૂકાઇ ગયુ. ત્યારબાદ આઇ.સી.યુ માં જયારે ભાન આવ્યું ત્યારે મને ખબર પડી કે, મને હાર્ટ અટેક આવ્યો હતો. હવે હું, મારા સ્વાસ્થય પ્રત્યે વધુ જાગૃત થયો છું.

યોગેશભાઇની સર્જરી કરનારા યુ.એન. મહેતાના કાર્ડિયોલોજી પ્રોફેસર ડો.જયલ શાહ જણાવ્યું હતું કે, ૨૬  વર્ષની વયે હાર્ટ એટેક આવે એવું બહુ જૂજ કિસ્સામાં બને. દર્દીને છેલ્લા ઘણા વર્ષોથી વ્યસન હતુ. તેથી તેમને નાની વયે હાર્ટ અટેક આવ્યો હોવાનું ડોકટરોનું અનુમાન છે.

(11:51 am IST)