Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ભારે રસાકસીના અંતે ૧ મતે પ્રિયવદન કોરાટ વિજેતા

૭ બેઠકોની મતગણત્રી હાથ ધરાતા જયપ્રકાશ પટેલ, જસવંતકુમાર રાવલ, હસમુખ પટેલ, મુકેશ પટેલ (પાટણ) અને મુકેશ પટેલ (છોટા ઉદેપુર), ધીરેન વ્યાસ વિેજેતા : બે બેઠક બિનહરીફ

રાજકોટ, તા., ૨૯: ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ૭ બેઠકો ઉપર પ્રતિષ્ઠાભર્યા જંગમાં ગઇકાલે મત ગણતરીમાં ભારે રસાકસીના અંતે સંઘ માન્ય ઉમેદવારોનો વિજય થયો છે. સંચાલક મંડળના દિગ્ગજ નેતા શ્રી નારણભાઇ પટેલ સામે જેતપુરના ડો.પ્રિયવદન કોરાટનો ૧ મતે વિજય થતા ભારે અપસેટ સર્જાયો હતો.

શિક્ષણ બોર્ડના ચુંટણી અધિકારી શ્રી પટેલે સતાવાર વિજેતા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં રજીસ્ટર થયેલી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓના સંચાલકોના વિભાગમાં ડો.પ્રિયવદન જીવરાજભાઇ કોરાટ વિજેતા જાહેર થયા છે. ત્યારે નારણભાઇ પટેલનો  પરાજય થયો છે. શિક્ષણ બોર્ડમાં ડો.પ્રિયવદન કોરાટની સક્રિયતા અને પ્રશ્નોને સતત વાચા આપતા મતદારોએ પણ મતરૂપી પ્રતિસાદ આપી ભવ્ય વિજય અપાવ્યો છે.

શાળાના આચાર્ય વિભાગમાં મહિસાગરના સંતરામપુરના જયપ્રકાશભાઇ પટેલ વિજેતા થયા છે. બુનિયાદી શાળાઓના હેડ માસ્તર અને શિક્ષકો વિભાગમાં જસવંતકુમાર રાવલ વિજેતા થયા છે. શાળાઓના શિક્ષક વિભાગમાં ખેડબ્રહ્માના  હસમુખભાઇ પટેલ વિજેતા થયા છે. ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણીક કર્મચારી વર્ગ વિભાગમાં પાટણના મુકેશકુમાર પટેલ વિજેતા થયા છે. જયારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના  શૈક્ષણીક કર્મચારી વર્ગ વિભાગના છોટા ઉદેપુરના મુકેશભાઇ પટેલ વિજેતા થયા છે. ખાનગી માધ્યમીક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓના વાલીઓના એસોસીએશનના પ્રમુખોના મત વિભાગમાં  અમદાવાદના ધીરેનભાઇ વ્યાસ વિજેતા થયા છે.

ચુંટણી પુર્વે માધ્યમિક શિક્ષક તાલીમ કોલેજો અને સ્નાતક બુનીયાદી તાલીમ કોલેજોના પ્રિન્સીપાલ મત વિભાગમાં રાજકોટના ડો.નિદત બારોટ અને સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓના શિક્ષકોનો મત વિભાગમાં વિજયભાઇ ખટાણા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

(1:05 pm IST)