Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગુજરાતમાં વરસાદની ટકાવારી 'સેન્ચૂરી' તરફ : સરેરાશ ૩૧ ઇંચ

મોસમનો સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં : ૫૬ તાલુકાઓમાં મોસમનો વરસાદ ૪૦ ઇંચથી વધુ : હજુ વરસાદી માહોલ

રાજકોટ તા. ૨૯ : ગુજરાતમાં ચોમાસાના ઉતરાર્ધમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. આખી મોસમમાં સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં પડયો છે. આજે સવાર સુધીમાં રાજ્યમાં ૮૯.૯૯ ટકા વરસાદ પડી ગયો છે. ટકાવારીની દ્રષ્ટિએ સદી તરફ મેઘરાજાની ગતિ છે. ટુંક સમયમાં વરસાદનો આંક ૧૦૦ ટકાએ પહોંચે તેવી આશા છે.

ગુજરાતમાં જૂનમાં સરેરાશ ૧૨૦.૩૮ મીમી, જુલાઇમાં ૧૭૬.૭૦, ઓગસ્ટમાં ૬૫.૩૨ અને સપ્ટેમ્બરમાં આજે સવાર સુધીમાં ૩૯૩.૫૧ ટકા વરસાદ પડયો છે. અત્યાર સુધીનો રાજ્યમાં કુલ સરેરાશ ૭૫૫.૯૨ ટકા વરસાદ થયો છે તે ઇંચની દ્રષ્ટિએ સરેરાશ ૩૧ ઇંચથી વધુ થાય છે.

કુલ ૨૫૧ તાલુકાઓ પૈકી ૫૬ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૧૨૩ તાલુકાઓમાં ૨૦ થી ૪૦ ઇંચ વચ્ચે વરસાદ થયો છે. ૫ થી ૧૦ ઇંચ વચ્ચે વરસાદ ધરાવતા માત્ર બે જ તાલુકાઓ છે. ૧૦ થી ૨૦ ઇંચ વચ્ચે વરસાદવાળા ૭૦ તાલુકાઓ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૦ તાલુકાઓમાં વરસાદ પડયો છે. હજુ રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ ગોરંભાયેલુ છે. વધુ વરસાદ તૂટી પડે તેવા એંધાણ છે.

(1:07 pm IST)