Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં સરકારી અનાજના ગોડાઉનમાં ગરીબોને આપવાના બદલે બારોબાર વેંચી દેવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર અને ઓડિટરની ધરપકડ

238 દિવસ બાદ આરોપીઓ ઝડપાતા જેલના સળીયા પાછળ ધકેલી દીધા

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુરમાં સરકારી અનાજ ગોડાઉનમાં ગરીબનો જથ્થો બારોબાર વેચી મારી કૌભાંડ આચરનાર ગોડાઉન મેનેજર અને ઓડિટરની પોલીસે ધરપકડ કરી છે. 1.91 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી નાસતા ફરતા બંને આરોપીઓને ડીસા ડીવાયએસપીની ટીમે 238 દિવસ બાદ ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉનમાંથી આઠ મહિના અગાઉ મેનેજરે 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યુ હોવાની ઘટના બની હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ અચાનક વિજિલન્સની ટીમે તપાસ કરતા માલ ગોડાઉન મેનેજર નાગજીભાઈ રોત, ડોરસ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર એમ બી ઠાકોર ફરાર છે અને કિરણ એન્ડ પ્રદીપ એસોસિએટના ઓડીટર વિશાલ પંછીવાલાએ ભેગા મળી ગરીબોનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી દીધો હતો.

કુલ 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ આ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા હતા. જ્યારે ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાની ટીમે કૌભાંડી મેનેજર અને ઓડિટરને ઝડપી પાડી પાલનપુર એસીબીની કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે અનાજ ગોડાઉનમાંથી આટલું મોટું કૌભાંડ આચરવામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસને પૂરેપૂરી શંકા છે. જેથી આ અનાજનો જથ્થો ક્યાં ક્યાં વેચ્યો છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

(4:31 pm IST)