Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સુરતના કાપડબજારમાં છેતરપિંડીનો સિલસિલો યથાવત:45.54 લાખની છેતરપિંડી આચરી શખ્સ રફુચક્કર

સુરત: શહેરના કાપડબજારમાં છેતરપિંડીનો સિલસિલો યથાવત છે. કતારગામના એમ્બ્રોઇડરીના કારખાનેદાર પાસે જોબવર્ક કરાવી મિલેનિયમ માર્કેટનો વેપારી મજૂરીના રૂ.45.54 લાખ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો. જયારે સુરતના વેપારી પાસેથી રૂ.13.92 લાખનો લહેંગા સાડીનો માલ મંગાવી પેમેન્ટ નહીં ચૂકવી દિલ્હીના પિતા-પુત્રએ ઉઠમણું કર્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડાના લાખણકા ગામના વતની અને સુરતમાં કતારગામ આંબાતલાવડી રવિપાર્ક સોસાયટી ઘર નં.15માં રહેતા 33 વર્ષીય સોહીલભાઇ ગોવિંદભાઇ માણીયા કતારગામ નવી જીઆઇડીસી ખાતા નં.480 ના પહેલા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં રાધેક્રિશ્ના ફેશનના નામે દુકાન ધરાવતા યશ બીપીનભાઇ મિયાણી ( રહે.802, શ્રીકુંજ એપાર્ટમેન્ટ, અક્ષરવાડીની બાજુમાં, અક્ષરચોક, કતારગામ, સુરત ) એ ગત 17 માર્ચ 2020 થી 16 માર્ચ 2021 દરમિયાન રૂ.54,10,737નું એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી તે પૈકી રૂ.3,64,913 ચૂકવ્યા હતા. જયારે રૂ.4,90,800 નો માલ પરત કરી બાકી પેમેન્ટ રૂ.45,54,024 ચુકવ્યું નહોતું. સોહીલભાઈ ઉઘરાણી માટે જતા તો હવે પછી રૂપિયાની ઉઘરાણી કરવા મારી દુકાને આવીશ તો હુ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી યશ હાલમાં તેની દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે સોહીલભાઈએ ગતરોજ યશ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

(6:03 pm IST)