Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગુજરાત-વિયેતનામ વચ્ચેના વ્યાપારિક-વાણિજ્યીક સંબંધો-ટેક્ષટાઇલ સેકટરનું એકસપોર્ટ વધારવા ગુજરાત સહયોગ આપશે ;મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે વિયેતનામના ભારતસ્થિત રાજદૂત: વિયેતનામ ગુજરાત વચ્ચે યાર્ન-કોટન-ટેક્ષટાઇલ-ડાય ની સપ્લાય ચેઇન સેતુરૂપ : પોર્ટસેકટર-ફાર્માસ્યુટિકલ-પેટ્રોલિયમ સેકટરમાં વિયેતનામમાં રોકાણોની વ્યાપક સંભાવના છે:રાજદૂત

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત વિયેતનામના ભારતસ્થિત રાજદૂત-એમ્બેસેડર શ્રીયુત Pahm Snah Chauએ ગાંધીનગરમાં લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળવા માટેના અભિનંદન પાઠવતાં વિયેતનામ રાજદૂતે વ્યાપાર કુશળ ગુજરાતી સમુદાયો વિયેતનામ સાથે વેપાર-ઊદ્યોગમાં વધુ સહભાગી થાય તેવી અપેક્ષા દર્શાવી હતી.
તેમણે કહ્યું કે, ખાસ કરીને ટેક્ષટાઇલ કેપિટલની ખ્યાતિ ગુજરાત ધરાવે છે ત્યારે યાર્ન, કોટન, ડાય ની સમગ્ર સપ્લાય ચેઇન વિયેતનામ-ગુજરાત માટે સેતુરૂપ બની શકે તેમ છે
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે આ ક્ષેત્રો સહિત પણ વ્યાપારિક વાણિજ્યીક સંબંધો વધારવા અને એકસપોર્ટ વધારવામાં ગુજરાત પૂર્ણ સહયોગ આપશે તેમ બેઠકમાં જણાવ્યું હતું.
ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રના આગવા વિઝનથી વિશ્વના દેશો સાથે સફળત્તમ સંબંધો વિકસાવી રહ્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે વિયેતનામ રાજદૂત સાથેની વાતચીતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, કેવડીયાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવી દુનિયાભરના લોકોને આકર્ષિત કરવાની પ્રધાનમંત્રીની આ દીર્ઘદ્રષ્ટિ છે.  
મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં વિયેતનામના પ્રધાનમંત્રીશ્રી અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન ભાગ લેવા આવે તે માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું.
વિયેતનામના રાજદૂતે પણ મુખ્યમંત્રને  વિયેતનામ રાષ્ટ્રની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીએ વિયેતનામ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

(7:08 pm IST)