Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પીપલોદના એપાર્ટમેન્ટમાં ૧૧ કેસ મળતા દોડધામ

સુરતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધ્યા : અઠવા ઝોનના આ એપાર્ટમેન્ટમાં રસી લીધેલા લોકોને પણ ચેપ લાગ્યો, કેટલાકે તો બે ડોઝ લઈ લીધા હતા

સુરત,તા.૨૯ : સુરતમાં ફરી એકવાર કોરોનાના કેસો વધવા પામ્યા છે. ત્યારે ફરી અઠવા ઝોનમાં પીપલોદ ખાતે આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અગિયાર કેસ મળી આવતા બી બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે. આવિષ્કાર એપાર્ટમેન્ટમાં કોરોનાના પાંચ કેસ હતા. પાલિકાએ ધવંતરી રથ મૂકી તપાસ હાથ ધરતા છે નવા કેસ મળી આવ્યા છે. એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેને લઈને ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જો કે સલામતીના ભાગ રૃપે આ વિસ્તારોમાં સિક્યુરીટી અને પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવ બાદ શહેરના કેટલાક વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. પીપલોદ ખાતે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના બી બિલ્ડિંગમાં ૨૧મીએ કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો. બી બ્લોકમાં વસવાટ કરતા ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

           મોટા ભાગના લોકો બીજો ડોઝ લઈ ચૂકયા છે. ૧૦૦ ટકા વેક્સિનેટેડ એપાર્ટમેન્ટમાં એક પછી એક કેસ મળી આવતા પાલિકાએ તપાસ  હાથ ધરી હતી. આજરોજ ધવંતરી રથ મૂકી ટેસ્ટિંગ કરવામાં આવતા છ વ્યક્તિઓમાં સંક્રમણ જોવા મળ્યું હતું. આ તમામ લોકોને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલી એક વ્યક્તિ આજે વેક્સિનનો બીજો ડોઝ લેવાની હતી, પરંતુ વેક્સિન મુકાવે તે પહેલાં પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું કે બી વિંગના તમામ અગિયાર વ્યક્તિ હોમ આઇસોલેશનમાં છે. ચાર પરિવાર વચ્ચે અગિયાર કેસ મળ્યા છે. સંક્રમણ અન્ય રહીશોમાં નહી ફેલાય તે માટે એપાર્ટમેન્ટને કલસ્ટર જાહેર કરી લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી છે. અઠવાલાઇન્સ ખાતે આવેલા મેઘમયર એપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણ દિવસથી. એક પણ નવો કેસ આવ્યો નથી. નવો કેસ નહી આવતા રહીશોએ રાહત અનુભવી છે. રવિવાર બાદ મેઘમયુરમાં નવા કેસ આવ્યા નથી. આ એપાર્ટમેન્ટમાં નવ કેસ આવતા સીલ કરવામાં આવ્યું હતું. પાલ ખાતે આવેલા સિલ્વર લીફમાં પણ એક પછી એક આઠ કેસ આવતા બિલ્ડિંગ સીલ કરાયું હતું.  ઉલ્લેખનીય છે કે અઠવા ઝોન કોરોનાના કાળ દરમ્યાન કોરોનાના કેસોમાં એપી આવનારા સાત દિવસમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકાને પગલે પાલિકાએ કેટલાક વિસ્તારમાં ટેસ્ટિંગ વધારી દીધુ છે. ભાટપોર, ભેસ્તાન, કતારગામ, વેસુ, પાલ અને ભાઠા, રામનગર, સારોલી, કાપડ માર્કેટ વિસ્તારમાં પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું છે.

 

(8:45 pm IST)