Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ : તપાસ કરવા આયોગનો આદેશ

સ્ટાર પ્રચારક ના હોવા છતાં ઇસનપુરના ઉમેદવારની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી સરકારી વાહનો સાથે હાજર રહ્યાં હોવાનો આક્ષેપ

ગાંધીનગર :ગાંધીનગર મહાનગરપાલિકા તથા અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને લઇને હાલમાં આચારસંહિતા અમલમાં છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ ભાજપના સ્ટાર પ્રચારક નહીં હોવા છતાં સરકારી વાહનો તથા સરકારી કાફલા સાથે અમદાવાદના ઇસનપુર વોર્ડ નં.45ની પેટા ચૂંટણીના ઉમેદવાર મૌલિકભાઈ પટેલની જાહેરસભામાં ઉપસ્થિત રહ્યાં હોવાની ફરિયાદ રાજય ચૂંટણી પંચ સમક્ષ થઇ છે. આ રજૂઆતને ધ્યાનમાં લઇને રાજય ચૂંટણી આયોગના સંયુક્ત કમિશનર એન.કે. ડામોરે આ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ( કલેકટર )ને પત્ર લખીને આ રજૂઆત પરત્વે તપાસ કરીને નિયમાનુસાર કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. કાર્યવાહી પરત્વે રાજય ચૂંટણી આયોગને જાણ કરવા સૂચના આપી છે.

રાજય ચૂંટણી આયોગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ દ્વારા આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની સંતોષસિંહ રાઠોડ તથા ગુજરાત સ્ટેટ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ચંદારાણા ( ઠક્કર ) ની ઇ-મેઇલ મારફતે બે જુદી જુદી રજૂઆતો મળેલી છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા તા.6-1-2021થી જુદા જુદા ત્રણ આદેશો કરવામાં આવ્યા છે. જે ધ્યાને લઇને અરજદારો દ્વારા કરાયેલી રજૂઆતો પરત્વે તપાસ કરવી.

અમદાવાદ શહેરના સંતોષસિંહ રાઠોડે રાજય ચૂંટણી આયોગના કમિશનર સહિત અમદાવાદ જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીને ઇ-મેઇલ મારફતે કરેલી ફરિયાદમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, 6-1-2021ના આદેશના ક્રમાંક 11માં સરકારી યંત્ર સામગ્રીના દુરપયોગ અંગે જણાવ્યું છે કે, ચુંટણી વિષયક કામગીરી માટે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં.તેમજ સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત તેમના સરકારી રહેઠાણથી તેમની કચેરી સુધી સરકારી કામકાજ અર્થે આવવા-જવા માટે કરી શકાશે. પરંતુ શરત એ રહેશે કે આવી અવરજવર કોઇ ચૂંટણી વિષયક કામગીરી અથવા રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ન હોવી જોઇએ.

વધુમાં જણાવ્યું છે કે, ગઇ તા.25મી સપ્ટેમ્બરના રોજ શનિવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની ઇસનપુર વોર્ડની પેટા ચૂંટણીના ઉમેદવાર મૌલિકભાઈ પટેલની જાહેર સભા સંબોધવા હાજર હતા. આ સમયે તેઓ સરકારી વાહનમાં મુસાફરી કરી આવ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રીનો સમગ્ર કાફલો હતો. ભાજપ દ્વારા રાજય ચૂંટણી આયોગમાં સ્ટાર પ્રચારકની યાદી, ઉમેદવારો આખરી થવાની યાદી સુધી એટલે કે 21મી સપ્ટેમ્બર-2021 સુધી જમા કરાવવામાં આવી નથી. જેથી તેઓ સ્ટાર પ્રચારકનો હોદ્દો ધરાવતા નથી. તેથીય વિશેષ આ યાદી આયોગ સમક્ષ રજૂ કરી ન હોવાથી ભાજપના કોઇ મોટા નેતા ઉમેદવારની રેલી, સભા, સરઘસમાં પ્રચાર અર્થે જોડાય તો તેમનો તમામ આવવા-જવાનો ખર્ચ સહિતનો ખર્ચ રાજય ચૂંટણી આયોગના નિયમ અનુસાર ઉમેદવારોના ખર્ચમાં જોડવામાં આવે છે.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે, રાજય ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરી અમદાવાદ મહાનગરપાલિકાની ઇસનપુર વોર્ડની પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી 25-9-21ના રોજ મૌલિકભાઈ પટેલની જાહેર સભામાં ઉપસ્થિત રહેવા સરકારી વાહનોનો ઉપયોગ બદલ તેમને નોટીસ આપવામાં આવે તેવી માંગણી કરતી રજૂઆત કરી છે.

ભારતના સંવિધાનની કલમ 243 હેઠળ મુક્ત અને ન્યાયી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જવાબદારી રાજય ચૂંટણી આયોગ પાસે છે. ચૂંટણી લોકશાહીનો પર્વ છે તે સત્તાની તાકાતથી મલિન ન થાય તે જોવાની જવાબદારી રાજય ચૂંટણી આયોગની છે.

(9:13 pm IST)