Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગુજરાતમાં શાહીન વાવાઝોડાનું સંકટ : ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ

દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે :વાવાઝોડાની ગતિ કાલે 150 કિલોમીટર સુધીની થઈ શકે

અમદાવાદ :રાજયમાં શાહિન વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે.આ વાવાઝોડાની ગતિ આવતીકાલે 150 કિલોમીટર સુધીની થઈ શકે છે .મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

29 સપ્ટેમ્બરના સાંજના 8 વાગ્યા સુધીમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, કચ્છ અને દીવમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન વીજળીના કડાકા સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ભરુચમાં પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.

અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં 30 સપ્ટેમ્બરની સવારે ડિપ્રેશનની અસર જોવા મળી શકે છે. ગુલાબ વાવાઝોડુ શાહિનમાં આવતી કાલે પરિવર્તિત થશે. ત્યાર બાદ કચ્છના અખાતમાં થઈને પાકિસ્તાનની માકરન કોસ્ટ સુધી પહોંચશે. આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બરે બપોરે બે વાગે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અન્ય 3, પંચાયત હસ્તકના 197 અને એક નેશનલ હાઈવે સહિત કુલ 207 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતિ અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. તેમણે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

પોરબંદર-જુનાગઢના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી

મુખ્યમંત્રીએ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતિ જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં NDRFની 18 ટીમ તૈનાત

રાજ્યમાં અત્યારની સ્થિતિએ સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની 18 ટીમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટીમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.

(11:10 pm IST)