Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કેનેડાના ટોરેન્‍ટોમાં મહેસાણાના ગુજરાતીઓએ ચાલુ વરસાદે મન મુકીને ગરબાની રમઝટ બોલાવી

કેનેડાના ઓટવામાં એનજીઓ દ્વારા એક દશકાથી જીજે-2 નવરાત્રી મહોત્‍સવનું આયોજન

મહેસાણાઃ ગુજરાતીઓના ગરબા વિદેશોમાં પણ જાણીતા બન્‍યા છે. કેનેડાના ટોરેન્‍ટોમાં છેલ્લા 18 વર્ષથી મહેસાણાના ગુજરાતી સમાજ દ્વારા ગરબાનું આયોજન થાય છે. ચાલુ વરસાદે ગુજરાતીઓ ટોરેન્‍ટોમાં ગરબે ઘુમ્‍યા હતા. વિદેશમાં ગુજરાતીઓએ ગરબાની પરંપરા જાળવી રાખી છે. અમેરિકામાં શેરી ગરબા, કેન્‍યામાં પરંપરાગત ગરબા અને ઓમાનમાં પણ નવરાત્રી પર ગરબાઓ રમાય છે.

ગુજરાતીઓના ગરબા દેશમાં જ નહીં સાત સમુદ્ર પાર વિદેશમાં પણ એટલા જ જાણીતા છે. નવરાત્રિ વિના પણ દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલો ગુજરાતી ક્યારેય પણ ગરબા રમવા તૈયાર થઈ જાય છે. પછી નવરાત્રીમાં તો પૂછવું જ શું? વિદેશમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓમાં નવરાત્રીનો થનગનાટ હંમેશા જોવા મળે છે. ત્યારે મહેસાણાવાસીઓએ કેનેડામાં ગુજરાતી ગરબાની ધૂમ મચાવી દીધી છે. કેનેડાના ટોરોન્ટોમાં નવરાત્રિમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા છે. ચાલુ વરસાદે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમતા વીડિયો હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

કેનેડાના ટોરેન્ટોમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રી થાય છે.ગુજરાતીઓ, અન્ય કોમ્યુનિટી તેમજ કેનેડા GTA (ટોરેન્ટો આસપાસ વિસ્તાર) ના લોકોના સાથ સહકારથી આ ગરબાનું આયોજન કરાય છે. ગામની શેરીઓમાં ગવાતા દેશી ગરબા ટોરેન્ટોમાં જોવા મળ્યા હતા.

મહત્વનું છે કે, કેનેડાના ઓટાવામાં એક એનજીઓ દ્વારા છેલ્લા એક દશકાથી ગરબા આયોજિત કરતા આવ્યા છે. વર્ષોથી વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે અને હવે ભારતીય સમુદાયની મજબૂત હાજરી નોંધાયેલી છે. એવામાં ગરબા આયોજનોમાં ચાર હજાર જેટલા ખેલૈયાઓ આવે છે. ઉપરાંત જે લોકોને રસ હોય તેમના માટે ગરબા ક્લાસ અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે.

અમેરિકામાં શેરી ગરબા

ન્યૂયોર્ક અને ન્યૂજર્સી જેવા વિસ્તારોમાં ગુજરાતીઓની ખૂબ વસ્તી છે અને અહીં પણ ગુજરાતીઓ ગરબા કરે છે. અહીં પણ શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે.

કેન્યામાં પરંપરાગત ગરબા

કેન્યામાં નાયરોબી, મોમ્બાસા, કિસુમુ અને નાકુરુના વિવિધ મંદિરોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીં શક્તિની ઉપાસના કરવાનું મહાત્મ્ય જળવાઈ રહ્યું છે. મોટાભાગના સ્થળોએ મોડર્ન ગરબાને મંજૂરી નથી. દરેક કાર્યક્રમમાં ઓછામાં ઓછા 1500 લોકો ભાગ લે છે.

ઓમાનમાં પણ થાય છે ગરબા

ઓમાનમાં હિન્દુ મહાજન સમાજના સભ્યો એક સદી પહેલાથી અહીં ગરબા યોજતા આવ્યા છે. હિન્દુ મહાજન સમાજ તરફથી કુવૈત, દુબઈ, મસ્કત, અબુ ધાબી વગેરે સ્થળોએ પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતીયો ભાગ લે છે.

ઉલ્લેખનીય છે કે, જાણીતા ગુજરાતી ગાયકો વિદેશી ધરતી પર રહેતા NRIને પોતાના સૂરના તાલે ગરબે ઘૂમવા મજબૂર કરી દે છે.

(5:19 pm IST)