Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સાંજે ૫ વાગ્‍યાથી જાહેર પ્રચાર પડઘમ ઉપર પડદો : શરૂ થશે ડોર ટુ ડોર કેમ્‍પેઇન

૧૯ જિલ્લામાં ગુરૂવારે પ્રથમ તબક્કાનું મતદાન

નવી દિલ્‍હી તા. ૨૯ : ગુજરાતમાં કુલ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્‍બર અને બીજા તબક્કામાં ૫ ડિસેમ્‍બરે મતદાન થવાનું છે. ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી ૨૦૨૨ માં  પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં તા. ૧ ડિસેમ્‍બર, ૨૦૨૨ ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સાંજના ૫.૦૦ વાગ્‍યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે તે પછી ડોર ટુ ડોર પ્રચાર શરૂ થશે.

લોક પ્રતિનિધિત્‍વ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૧૨૬ મુજબ મતદાન પૂરૂં થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

પ્રથમ તબક્કામાં તા. ૨૯.૧૧.૨૦૨૨ ના સાંજના ૫.૦૦ વાગ્‍યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જયારે બીજા તબક્કામાં તા. ૫.૧૨.૨૦૨૨ ના રોજ સાંજના ૫.૦૦ કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા. ૩.૧૨.૨૦૨૨ ના સાંજના ૫.૦૦ વાગ્‍યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.

(11:00 am IST)