Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

છેલ્લા ૨૭ વર્ષમાં કોંગીનો જનાધાર ૩૨ થી ૪૧% : ભાજપને ૪૨ થી ૪૯% મત

તકધૂમ તકધૂમ વાગે છે ચૂંટણીના ઢોલ, જેટલો પ્રચાર મોટો એટલી મોટી પોલ : ૧૦ ટકા મત નિર્ણાયક : ૧૯૯૫ પછી ભાજપને સૌથી વધુ ૧૨૭ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળેલી : આ વખતે ત્રિપાંખીયો જંગ

રાજકોટ તા. ૨૯ : સમગ્ર રાજ્‍યમાં ઉત્‍કંઠાનો માહોલ જગાવનાર ધારાસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોના મતદાન આડે આવતીકાલનો એક દિવસ બાકી છે. બીજા તબક્કાની ૯૩ બેઠકોનું મતદાન તા. ૫મીએ થનાર છે. મતગણતરી ૮ ડિસેમ્‍બરે છે. આ વખતે રાજ્‍યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખીયો જંગ છે. અન્‍ય પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં છે. મુખ્‍ય પ્રતિસ્‍પર્ધી ગણાતા ત્રણેય પક્ષો આ વખતે પોતાનો જનાધાર સર્વાધિક રહેવાનો દાવો કરે છે. શાસક અને વિપક્ષ વચ્‍ચે જનાધારમાં ૧૦ ટકા જેટલો ફેર રહેતો હોવાનો છેલ્લી ૬ ચૂંટણીનો ઇતિહાસ છે.

કોંગ્રેસને ૧૯૯૫ પછી ૨૦૧૭ સુધીમાં ૩૨ થી ૪૧% વચ્‍ચે મત મળ્‍યા છે. જ્‍યારે ભાજપ ૪૨ થી ૪૯% મત મેળવી સત્તા ટકાવે છે. કોંગ્રેસને ૧૯૯૫માં ૩૨.૮૬%, ૧૯૯૮માં ૩૪.૮૫%, ૨૦૦૨માં ૩૯.૨૮%, ૨૦૦૭માં ૩૮%, ૨૦૧૨માં ૩૮.૯૩% અને ૨૦૧૭માં ૪૧.૪% મત મળેલ. કોંગ્રેસને છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી વધુ ૭૭ બેઠકો ગઇ ચૂંટણીમાં મળી હતી.

ભાજપને ૧૯૯૫થી ૨૦૧૨ સુધીમાં અનુક્રમે ૪૨.૫૧%, ૪૪.૮૧%, ૪૯.૮૫%, ૪૯.૧૨% અને ૪૭.૮૫% મત મળેલ. ગઇ ૨૦૧૭ની ધારાસભાની ચૂંટણીમાં ૪૯.૦૧% જનાધાર ભાજપ તરફી હતો. તે વખતે ભાજપને ૯૯ બેઠકો મળી હતી. ભાજપ, કોંગ્રેસ સિવાયના મત અન્‍ય પક્ષો, અપક્ષો અને નોટા વચ્‍ચે વહેંચાયા હતા. ૫ લાખથી વધુ મતદારોએ કોઇ ઉમેદવાર પસંદ ન હોવાથી નોટાનું બટન દબાવ્‍યું હતું.  ભાજપ - કોંગ્રેસ જેવા પક્ષોને અમુક મત નિヘતિ પ્રમાણમાં મળતા હોય છે. તે ઉપરાંત મત ખેંચવામાં ઉમેદવારની પ્રતિભા અને ક્ષમતા, સ્‍થાનિક સમીકરણો, મતદાનનું પ્રમાણ, જે તે વખતનું રાજ્‍ય વ્‍યાપી વાતાવરણ વગેરે બાબતો ભાગ ભજવે છે. આ વખતે સરકાર બનાવવાના લક્ષ્ય સાથે મેદાને ઉતરેલ ત્રણેય પક્ષ પૈકી મતદારો કોને પસંદ કરે છે તે તો ૮ ડિસેમ્‍બરે ખબર પડશે.

(12:05 pm IST)