Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કલોલની અમર પાર્ક સોસાયટીમાં લીલા વૃક્ષોનું મંજૂરી વગર નિકંદન કરવામાં આવતા વૃક્ષપ્રેમીઓમાં રોષની લાગણી

કલોલ :  કલોલની અમર પાર્ક સોસાયટીમાંથી મંજૂરી વગર લીલા વૃક્ષોનું નિકંદન કાઢી દેવામાં આવતા વૃક્ષપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે. લીમડો,કણજી સહિત ૧૭ જેટલા નાના મોટા વૃક્ષ ગેરકાયદે કાપી દેવામાં આવ્યા છે જેને લઈને સોસાયટીના રહીશે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને અરજી લખી વૃક્ષ કાપનાર શખ્સો વિરૃદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કલોલમાં લીલા વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ સતત વધી રહી છે. પુર્વ વિસ્તારમાં આવેલ સ્મશાનમાં પંદર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી દેવામાં આવ્યું હતું.જોકે તેમાં કસૂરવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે પૂર્વની વધુ એક સોસાયટીમાં ઝાડ કાપી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. કલોલની અમરપાર્ક સોસાયટીમાં તંત્રની મંજૂરી વગર સોસાયટી પ્રમુખે ઝાડ કાપી દીધા હોવાનો એક રહીશે આક્ષેપ કર્યો છે. અમરપાર્કમાં એક પીપળો,દસ લીમડા,પાંચ કણજા અને એક ગુલમહોર કુલ મળી ૧૭ જેટલા લીલા વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે. ફરિયાદી નિલેશભાઈના પિતાએ વર્ષો અગાઉ આ ઝાડનું જતન કરી ઉછેર્યા હતા.આ વૃક્ષો કાપવા માણસો આવતા ફરિયાદીના પરિવારજનોએ વિરોધ કરતા સોસાયટી પ્રમુખે દાદાગીરી કરી હતી. જેને પગલે ફરિયાદી નિલેશ કાપડિયાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.  ઉપરાંત મામલતદાર અને ચીફ ઓફિસરને અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

(5:29 pm IST)