Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

બોરસદના દાવોલ બ્રિજ નજીક અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડયો

આણંદ : બોરસદ તાલુકાના દાવોલ બ્રીજ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફીકરાઈથી હંકારી એક મોટરસાયકલને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના ધર્મજ ગામે રહેતા ધર્મેશકુમાર અરૂણભાઈ પટેલ (ઉં.વ.૩૯) વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અઠવાડીયે એક વખત ધર્મજ ખાતે પોતાના ઘરે આવતા હતા. ગતરોજ તેઓ પોતાનું મોટરસાયકલ લઈ વડોદરાથી ધર્મજ આવવા માટે નીકળ્યા હતા. દરમ્યાન આશરે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેઓ મોટરસાયકલ પર સવાર થઈ દાવોલ બ્રીજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી તેઓની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે ધર્મેશકુમાર રોડ પર પટકાયા હતા અને ઘટનાસ્થળે જ તેઓનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

 અકસ્માતને પગલે મોટરસાયકલ વાસદથી બોરસદ તરફ પચાસેક મીટર દુર રોડની સાઈડમાં આવેલ સર્વિસ રોડની બાજુમાં પડી હતી. આ અકસ્માત અંગે બનેવી ગૌતમભાઈ શુકલને ગામના પિંટુભાઈએ જાણ કરતા તેઓ પત્ની તથા ભાઈ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે ગૌતમભાઈ શુકલે બોરસદ શહેર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:30 pm IST)