Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નડિયાદ:ઠાસરા તાલુકાના કાલસર ગામે ઉશ્કેરાયેલ પતિએ ગર્ભવતી મહિલાને પેટમાં લાત મારતા પત્નીનું સારવાર દરમ્યાન મોત

નડિયાદ : ઠાસરા તાલુકાના કાલસર ગામમાં એક મહિલાએ પોતાના દીકરા માટે બિસ્કીટ લાવવા પતિ પાસે ૧૦ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ ગર્ભવતી પત્નીને પેટમાં લાત મારતા ગર્ભાશય રપ્ચર થઈ ગયું હતું. અને તેણીને કોણીના ભાગે દઝાડી માર મારતા પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. 

આ અંગે ડાકોર પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે અંગેનો કેસ નડિયાદની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે પતિને પાંચ વર્ષ સખત કેદની સજા અને રૂ. ૨,૦૦૦ દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ઠાસરા તાલુકાના કાલસર નવીનગરીમાં માજીતખાન હબીબખાન પઠાણ (ઉ.વ.૨૬) પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓની પત્ની યાસ્મીનબાનુએ પોતાના દીકરા માટે બિસ્કીટ લાવવા પતિ પાસે રૂ.૧૦ ની માંગણી કરી હતી. જેથી માજીતખાન ઉશ્કેરાઈ ગયો હતો. અને યાસ્મીનબાનુ પર ખોટો વહેમ રાખી ઘરના કામકાજ બાબતે ઝઘડો કરી ગડદાપાટુ મારમાર્યો હતો. દરમિયાન માજીતખાને ગર્ભવતી યાસ્મીનબાનુને પેટમાં લાત મારતા ગર્ભાશય રપ્ચર થઈ ગયું હતું. આ ઉપરાંત તેણીને કોણી નીચે દજાડી શરીરના અન્ય ભાગોએ નાની-મોટી ઇજા પહોંચાડી હતી. દરમિયાન યાસ્મીનબાનુ નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસે ૨૪ મે ૨૦૨૧ ના રોજ યાસ્મીન બાનુના પિતા દ્વારા માજીતખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:35 pm IST)