Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નર્મદા જિલ્લામાં 624 મતદાન કેન્દ્રો ખાતે 3390 અધિ. કર્મઓ સહિતનો પોલીંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત કરાશે

જિલ્લાના 312 જેટલા મતદાન કેન્દ્રો ખાતે વેબકાસ્ટીંગ કેમેરા ગોઠવાયાં : તમામ ગતિવિધિઓ- હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે:નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા મત વિસ્તારની બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ-09 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં નર્મદા જિલ્લાના કુલ-4,57,880 મતદારો નોંધાવશે ભાગીદારી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓ નો પ્રથમ તબક્કો આવતીકાલે 1 ડિસેમ્બરના યોજવાનો છે ત્યારે નર્મદા જિલ્લો પ્રથમ તબક્કામાં આવે છે. એટલે આવતી કાલે નર્મદા જિલ્લાની બે વિધાન સભામાં મતદાન યોજાશે. નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને તે દ્વારા મુક્ત, ન્યાયી, તટસ્થ, પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ બન્યું છે. જિલ્લામાં મતદાનના દિવસે 624  જેટલા મતદાન કેન્દ્રો ખાતે સવારે 8 થી સાંજના 5 સુધી મતદાન યોજાશે, જેમાં 624-પ્રિસાઇડીંગ ઓફિસર, 624-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, 624-પુરુષ પોલીંગ ઓફિસર, 624-મહિલા પોલીંગ ઓફિસર અને 624-પટાવાળા કર્મચારીઓ સહિત કુલ-3120 જેટલો પોલીંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત રહેશે. જ્યારે 54-પ્રિસાઇડીંગ ઓફિસર, 54-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, 54- પુરુષ પોલીંગ ઓફિસર, 54-મહિલા પોલીંગ ઓફિસર અને 54-પટાવાળા/કર્મચારી સહિત- 270 જેટલો પોલીંગ સ્ટાફ અનામત રાખવાની સાથે કુલ-3390 જેટલાં પોલીંગ સ્ટાફને ફરજ ઉપર તૈનાત કરાશે. આ ઉપરાંત જિલ્લામાં ઝોનલ ઓફિસર-મેજીસ્ટ્રેટ-પોલીસ અધિકારી સહિતની ટુકડીઓ સમગ્ર મતદાન પ્રક્રિયા ઉપર દેખરેખ અને સંકલન રાખશે.
નર્મદા  જિલ્લાનાં 312  ક્રિટીકલ મતદાન મથકો ખાતે ખાસ વેબકાસ્ટીંગકેમેરા ગોઠવીને તેની તમામ ગતિવિધિઓ-હિલચાલના જીવંત પ્રસારણની વ્યવસ્થા ગોઠવાઇ છે, જેનુ જિલ્લા કક્ષાના ચૂંટણી કંટ્રોલરૂમ ખાતેથી મોનીટરીંગ કરાશે અને ચૂંટણી પંચના અધિકારીઓ તેનું જીવંત પ્રસારણ નિહાળી શકશે. 53 જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ વ્યુહાત્મક અગત્યતા ધરાવતા મતદાન મથકો ખાતે ચૂંટણી પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરશે. શેડો એરીયાના 30 મતદાન મથકોના વિસ્તારમાં જિલ્લાના વન વિભાગના સામાજિક વનીકરણ અને નોર્મલ વન વિભાગના અધિકારી ઓકર્મીઓના સંકલનથી વોકી-ટોકી અને વાયરલેસ સેટના ઉપયોગ થકી નિયત સમયાંતરે અને જરૂરીયાતના સમયે જિલ્લા ચૂંટણી કંટ્રોલ કક્ષ સહિત સંબંધિત ચૂંટણી અધિકારીઓને જરૂરી આંકડાકીય વિગતો અને સંદેશાઓની આપ-લે સાથે તેને સમયસર યોગ્ય સ્થળે પહોંચાડવાની જવાબદારી નિભાવશે.
 નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર બેઠકની ચૂંટણી સ્પર્ધાના કુલ-09 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં નર્મદા જિલ્લાના સેવા મતદાર અને થર્ડ જેન્ડર મતદારો સહિત કુલ-4,57,880 જેટલા મતદારો મતદાનમાં ભાગ લઇ નાંદોદ વિધાનસભા મત વસ્તારના કુલ-05 અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના કુલ-04  સહિત ચૂંટણી સ્પર્ધાના કુલ-09 ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટેના મતદાનમાં ભાગ લઇ તેમની ભાગીદારી નોંધાવશે.નર્મદા જિલ્લા મતદાન દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના ચૂંટણીલક્ષી તમામ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશોના અમલીકરણ ઉપરાંત જિલ્લાના મતદાન કેન્દ્રોના નિયત કરાયેલા વિસ્તારોમાં સહિત સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના નેતૃત્વમાં જિલ્લામાં 1 SP,  4 DYSP, 09 પોલીસ ઇન્સપેક્ટર, 19-પોલીસ સબ-ઇન્સપેક્ટર, 1039 -પોલીસ જવાનો, 584  હોમગાર્ડઝ જવાનો, 275  GRD જવાનો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ની 14 કંપનીઓના અર્ધ લશ્કરી દળના સુરક્ષા જવાનો તેમજ SRP ની 1 -કંપનીના જવાનોને ચૂંટણીલક્ષી ફરજ ઉપર તૈનાત કરવાની સાથે જિલ્લાના રૂટવાઇઝ તમામ વિસ્તારોમાં સતત અને સઘન પેટ્રોલીંગની વ્યવસ્થા સાથે પૂરતો-સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(10:13 pm IST)