Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે ગુજરાતમાં નેતાઓ દ્વારા ક્યાંક અનોખું, આક્રમક અને આશ્ચર્યજનક વલણ

પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ મૌન તોડ્યું: ભાજપના નેતાએ આપ્યું કોંગ્રેસને સમર્થન : શક્તિસિંહ ગોહિલનો આક્રમક પ્રચાર : પરેશ ધાનાણીની ભાજપની ઓફિસમાં જઈને ચાની ચૂસ્કી લીધા બાદ ધુંવાધાર બેટિંગ :ખડગેના નિવેદનથી રાજકીય ખળભળાટ મચ્યો : જાણો ક્યાં નેતાએ કઈ રીતે કર્યો પ્રચાર

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે ગુજરાતમાં નેતાઓ દ્વારા કેવી રીતના નિવેદન આપવામાં આવ્યા છે.

 

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કહ્યું હતું કે, આ વખતે યુવાઓને મોકો મળે તે માટે ભાજપના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો હતો અને એ માટે અમે બધા સિનિયર નેતાઓ એક સૂર થઈ ચુંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ વધુમાં જણાવતા કહ્યું કે, આ વખતે પાર્ટીએ રાજકોટમાં નવા લોકોને મોકો આપ્યો છે અને ચારેય બેઠક પર અમારી જીત નક્કી જ છે કારણ કે, રાજકોટ વર્ષોથી ભાજપનું ગઢ છે.

આ અંગે વધુ જણાવતાં રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના 15 ધારાસભ્યો ભાજપમાં આવી ગયા હોવાથી આ વખતે કોંગ્રેસ ખુબ નિરાશ છે. આ વખતે કોંગ્રેસ માત્ર પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. તો બીજી બાજુ કેજરીવાલ કોંગ્રેસની બેઠકોમાંથી જીત મેળવશે તેવું માને છે, પરંતુ આ વખતે માહોલ અમારી તરફેણ છે એવો વિજય રૂપાણીએ દાવો કર્યો હતો.

 

ગોંડલના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે કહ્યું હતું કે, ગુજરાતની અંદર ભાજપ સરકાર છે અને હું હંમેશાં ભાજપ સરકાર સાથે જોડાયેલો છું. પરંતુ ગોંડલમાં કોગ્રેસને સમર્થન આપીશ. કારણ કે, જયરાજસિંહે આમારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે. ગોંડલની પ્રજાને ડરાવી ખોટા મત નાખવા માટે પ્રચાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસના યતિષ દેસાઈને અનિરુદ્ધસિંહનું ખુલ્લું સમર્થન છે જેવા અનેક આક્ષેપો કર્યા હતા. આ દરમિયાન તેમને વડાપ્રધાન મોદી અને અમિત શાહની માફી પણ માંગી લીધી હતી.

 દાંતામાં મતદારોને રીઝવવા કોંગ્રેસે જાહેરસભાનું આયોજન કર્યું હતું. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વિશાળ જનમેદનીને સંબોધી હતી. જ્યાં ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે, ભાજપવાળા થોડાં રૂપિયા આપે તો વધું લઈ લેજો પણ મત તો કોંગ્રેસને જ આપજો, આ રૂપિયા એમના બાપ-દાદાના નથી, આપણું જ લોહી ચૂસીને હરામના એકત્ર કર્યા છે.

 

દાંતા 10 વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીના સમર્થનમાં હડાદ ખાતે જનસભા યોજાઈ હતી. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જનમેદનીને સંબોધવા પહોંચ્યા હતા. જેમાં શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધતા કહ્યું હતું કે, તમે પરસેવો પાડો છો, ત્યારે પૈસા આવ્યા છેને તેમની પાસે હરામના પૈસા આવ્યા છે. એટલે સાડી એક આપતાં હોય તો 5 લઈ લેજો પણ મત કાંતીભાઈને જ આપજો. રૂપિયા થોડા આપતાં હોય તો જાજા લઈ લેજો, એમના કંઈ બાપ-દાદાના નથી આપણા લોહી ચૂસીને હરામના જ ભેગા થયા છે.

 

પરેશ ધાનાણીએ સવારે બીજેપીની ઓફિસમાં જઈને ચાની ચૂસ્કી લીધી હતી પરંતુ તે પછી તેમને ફરીથી બેટિંગ કરતાં બીજેપીને ધોઇ નાંખી હતી. તેમને ઈલેક્શન 2022ને લઈને કહ્યું હતુ કે, આ વખતની ચૂંટણી કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી વિરુદ્ધ નથી. આ ચૂંટણી જંગ બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનને બચાવવાની લડાઈ છે. ગુજરાત ગાંધીના સંસ્કારોનું રહેશે કે ગોડસેના વારસદારોનું ગુલામ બનશે એ નક્કી કરવા માટેનો આ જંગ છે. 2022ના જંગમાં સરદાર સાહેબનું સ્વાભિમાન ટકશે કે માજી બુટલેગર સી.આર.ના હવાલે ગુજરાતની નવી પેઢી થશે એ નક્કી કરવા માટેનો આ જંગ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીએ હંમેશાં ગુજરાતને દિશા ચીંધવાનું કામ કર્યું છે.

 

પ્રચારના અંતિમ દિવસે પણ ગરમાગરમીનો માહોલ રહ્યો હતો. બિન ગુજરાતી નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર વડાપ્રધાન  મોદી પર નિવેદન આપ્યું છે. સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેશનની ચૂંટણીમાં તમારું મોઢું જોયું. શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢાં છે? મને સમજાતું નથી. રવિવારે સુરતમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાંના સરદાર જણાવ્યા હતા.

આ મામલે સંબિત પાત્રાએ મગનું નામ મરી પાડવાનું કામ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવા એ ઘોર અપમાન છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે.

 

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પ્રચાર પડઘમ શાંત થયા બાદ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં મતદાન થશે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.

પ્રથમ તબક્કામાં ક્યાં થશે ચૂંટણી

 • કચ્છ જિલ્લાની 6 બેઠક
 • સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક
 • મોરબી જિલ્લાની 3 બેઠક
 • રાજકોટ જિલ્લાની 8 બેઠક
 • જામનગર જિલ્લાની 5 બેઠક
 • દેવભૂમિ દ્વારકાની 2 બેઠક
 • પોરબંદર જિલ્લાની 2 બેઠક
 • જૂનાગઢ જિલ્લાની 5 બેઠક
 • ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક
 • અમરેલી જિલ્લાની 5 બેઠક
 • ભાવનગર જિલ્લાની 7 બેઠક
 • બોટાદ જિલ્લાની 2 બેઠક
 • નર્મદા જિલ્લાની 2 બેઠક
 • ભરૂચ જિલ્લાની 5 બેઠક
 • સુરત જિલ્લાની 16 બેઠક
 • તાપી જિલ્લાની 2 બેઠક
 • ડાંગ જિલ્લાની 1 બેઠક
 • નવસારી જિલ્લાની 4 બેઠક
 • વલસાડ જિલ્લાની 5 બેઠક
 •  

 

(11:38 pm IST)