Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

આમોદની નવી નગરીમાં કોંગ્રેસની રાત્રી સભામાં લાકડીઓ અને ખુરશીઓ ઉડી :મારામારી થતા સભામાં ભાગદોડ મચી .

સ્થાનિક યુવાને પાંચ વર્ષ બાદ વોટ માંગવા નીકળ્યા હોવાનો સવાલ ઉઠાવતા 6 કોંગ્રેસીઓએ તેને ઢીબી નાખતા રાયોટિંગનો ગુનો દાખલ કરાયો

આમોદની નવી નગરીમાં કોંગ્રેસની રાત્રી સભામાં સ્થાનિક યુવાને પાંચ વર્ષ બાદ વોટ માંગવા નીકળ્યા હોવાનો સવાલ ઉઠાવતા 6 કોંગ્રેસીઓએ તેને ઢીબી નાખતા રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે.

આમોદના પુરસા રોડ ઉપર આવેલી નવી નગરીમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીની સોમવારે રાત્રી સભા હતી. સભામાં ફળિયાના સ્થાનિક યુવાન શહેબાઝ કાજીએ સવાલ ઉઠાવ્યો હતો.

પાંચ વર્ષથી સંજય સોલંકી કે કોંગ્રેસ નવી નગરીમાં ફરકી ના હોય હવે વોટ માંગવા નીકળ્યા છો. કોરોના કાળમાં ક્યાં હતા. જેમાં યુવાનને કોંગ્રેસી આગેવાનોએ ચાલ્યા જવાનું કહેતા આ મારું ફળિયું હોય હું નહિ જાવ કહ્યું હતું.

માજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ બચુશેઠ મછસરવાળા, પાલિકા પૂર્વ પ્રમુખ સાજીદઅલી રાણા, જિલ્લા કોંગ્રેસ આગેવાન સલીમ રાણા, નદીમ રાણા અને અફઝલ રાણા યુવાન ઉપર તૂટી પડ્યા હતા. લાકડીઓ અને ખુરશીઓ સાથે શહેબાઝ સાથે છુટા હાથની મારા મારી કરતા સભામાં ભાગદોડ મચી ગઇ હતી.

 

અંતે યુવાનના ત્રણ મિત્રોએ વચ્ચે પડી તેને વધુ મારથી બચાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના અંગે ઇજાગ્રસ્ત શહેબાઝના પિતા રહીમભાઈએ 6 આરોપી સામે ફરિયાદ આપતા આમોદ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

(12:02 am IST)