Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોના સામેના જંગમાં અદાણી ગ્રુપ વ્હારે : અમદાવાદ મકરબામાં અદાણી વિદ્યા મંદિર સ્કૂલના કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરશે

દર્દીઓ માટે બેડ, પોષણયુક્ત આહાર અને તબીબી દેખરેખની વ્યવસ્થા: ઓક્સીઝનની પણ સગવડ હશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ભારે તબાહી મચાવી રહી છે. એમાંય અમદાવાદમાં કોરોનાનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. પ્રતિદિન નવા નોંધાઈ રહેલા કેસોનો આંકડો જૂનો રેકોર્ડ તોડી રહ્યો છે. આટલું જ નહીં મરણનો આંકડો પણ સતત વધી રહ્યો છે, ત્યારે કોરોના સામેની જંગમાં અદાણી ગ્રુપ આગળ આવ્યું છે. જેમાં અદાણી વિદ્યામંદ્રિ સ્કૂલ કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

   આ અંગે અદાણી ગ્રુપે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શહેરના મકરબા વિસ્તારમાં આવેલી અદાણી વિદ્યા મંદિરના કેમ્પસને સપોર્ટિક કોવિડ કેર સેન્ટરમાં ફેલવવામાં આવશે. જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું કહેવું છે કે, અમદાવાદમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસોને પગલે સરકારી અને ખાનગી આરોગ્ય માળખા પરનું ભારણ ઘટે તે હેતુથી અદાણી વિદ્યા મંદિર કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં અદાણી ગ્રુપ કેવી રીતે મદદરૂપ થઈ શકે? એવી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે બેડ, પોષણયુક્ત આહાર અને તબીબી દેખરેખની વ્યવસ્થા રહશે. જ્યારે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે મેડિકલ ઑક્સિજન માટેની સગવડ પર કરવામાં આવશે. Adani Covid Care

અત્રે ઉલ્લેખનીય છે કે  અગાઉ અદાણી ગ્રુપે નોઈડામાં કોરોના દર્દીઓની મદદ કરવાના ભાગરૂપે 300 ડી-ટાઈપ ઑક્સિજન સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. જેંમાથી લગભગ 100 જેટલા સિલિન્ડરો નોઈડા પહોંચી ચૂક્યાં છે.

(6:42 pm IST)