Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સ્‍વાતંત્ર્ય - સંગ્રામના સંભારણાની દુર્લભ તસ્‍વીરોની અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્‍થાપના થઇ

રાજકોટ તા. ૩૦ : આઝાદી કા અમૃત મહોત્‍સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના સ્‍વાતંત્ર્ય-સંગ્રામના સંભારણાંની દુર્લભ તસ્‍વીરોની અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્‍થાપના થઈ છે.અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે (આઈએએસ), અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્‍યા (આઈએએસ), વિરમગામ મદદનીશ કલેકટર દીપેશ કેડીયા (આઈએએસ), અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલ (જીએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભીની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

૦૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ઐતિહાસિક ધોલેરા સત્‍યાગ્રહના અવસરે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્‍તિનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો પ્રસિધ્‍ધ થયો હતો, ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ રાજદ્રોહના ખોટા આરોપસર ધંધુકા સ્‍થિત તે  સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્‍ટ-હાઉસ ખાતે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા ત્‍યારે સ્‍વરચિત કાવ્‍ય છેલ્લી પ્રાર્થના ધીરગંભીર કંઠે ગાયું ને મેજિસ્‍ટ્રેટ ઈસાણી સમેત ત્‍યાં ઉપસ્‍થિત વિશાળ માનવ મેદનીની આંખો આંસુભીની થઈ ગઈ હતી તથા ૧૯૩૦-૩૧દ્ગક્ર સાબરમતી જેલના સંભારણાંનુ રસપ્રદ, માહિતીસભર સચિત્ર આલેખન પિનાકી મેઘાણી દ્વારા કરાયું છે. 

અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે ધોલેરા સત્‍યાગ્રહ - સિંધુડો તથા વિરમગામ ખાતે વિરમગામ સત્‍યાગ્રહની કલાત્‍મક તક્‍તીની પણ સ્‍થાપના થઈ છે. આ થકી નવી પેઢી આપણી આઝાદીની લડત અને તેમાં નામી-અનામી સ્‍વાંતંત્ર્ય-વીરોએ આપેલ બલિદાન અને આહુતિથી તેમજ આપણી ગૌરવવંતી સંસ્‍કૃતિની મહામૂલી વિરાસત પરિચિત-પ્રેરિત થશે તેમ જણાવીને પિનાકી મેઘાણીએ સમસ્‍ત અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રનો હૃદયથી આભાર માન્‍યો છે.(૨૧.૧૫)

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(12:13 pm IST)