Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વડોદરામાં રેલવે સ્ટેશનની પાછળ હોટેલમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓની ધરપકડ કરી

વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં આવેલી ચંદન મહેલ હોટલના માલિક દ્વારા રેલવે સ્ટેશનની પાછળ આવેલી હોટલ જય અંબેમાં ચલાવાતું જુગારધામ પોલીસે ઝડપી પાડી છ ખેલીઓની ધરપકડ કરી હતી જ્યારે પાંચની શોધખોળ હાથ ધરી છે.

સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ચંદન મહેલના માલિક આશિષ અડવાણી  જુગાર રમવા માટે રેલવે સ્ટેશનની પાછળ સિધ્ધી વિનાયક કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી હોટલ જય અંબેમાં એક રૃમ બુક કરાવી પત્તા અને કોઇન વડે જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે શહેર પીસીબીના સ્ટાફે રૃમ સર્વિસના માણસોના નામે હોટલની રૃમમાં દરોડો પાડતા રૃમમાં જુગાર રમતા ખેલીઓનો પરસેવો છૂટી ગયો હતો.

પોલીસે કુલ છ શખ્સોની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડ રૃા.૪૫૫૦૦, પાંચ મોબાઇલ અને બે સ્કૂટર મળી કુલ રૃા.૧.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો  હતો. પોલીસે જણાવ્યું હતું કે આશિષ અડવાણી અત્યાર સુધી પોતાની ચંદન મહેલ હોટલમાં જ જુગાર રમાડતો હતો પરંતુ પોતાની હોટલમાં જગ્યા નહી હોવાથી હોટલ જય અંબેમાં રૃમ બુક કરાવી ગ્રાહકોને ત્યાં જુગાર રમવા મોકલતો હતો.

હોટલ જય અંબેમાં આશિષનો માણસ સંજય ઉર્ફે સંજુ નવલાણી બાજી દીઠ નાલના રૃપિયા કાઢતો હતો અને આ નાલના રૃપિયા તેંડુલકર આશિષ અડવાણીને મોકલતો હતો. પોલીસે આશિષ અડવાણી સહિત અન્ય શખ્સોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:23 pm IST)