Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

બોરસદ તાલુકાના અમીયાદ ગામે પાડોશી પરિવારના ત્રાસથી કંટાળી યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ:તાલુકાના અમિયાદ ગામે રહેતા એક રબારી પરિવારને ગામમા રહેવા બાબતે કનડગત કરીને અસહ્ય ત્રાસ ગુજારાતા કંટાળેલા યુવકે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે વીરસદ પોલીસે મહિલા સહિત ચારેય શખ્સો વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમિયાદ ગામની ઈન્દિરા કોલોનીમાં રાજેશભાઈ મફતભાઈ રબારી પોતાના પરિવાર સાથે રહે છે. ગત ૨૬મી તારીખના રોજ સાંજના સુમારે રાજેશભાઈ પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા ત્યારે સામે આવેલા બાકડા પર બેઠેલા ઢોલાભાઈ ઠાકોરભાઈ ચૌહાણ અને શશીકાંત કનુભાઈએ ગમે તેવી ગાળો બોલીને તમોને ગામમાં રહેવા દેવાના નથી તેમ જણાવીને પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. જેથી તેઓ પોતાના ઘરમાં જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે રાજેશભાઈના પત્ની ભાવુબેન શાકભાજી લેવા માટે ગામમાં ગયા હતા ત્યાં સુરેશભાઈ ભુકાભાઈ પરમાર અનેે તેમની પત્ની ગીતાબેન દ્વારા ગમે તેમ બોલીને ધાકધમકીઓ આપી હતી. જે અંગે ભાવુબેને ઘરે આવીને પોતાના પતિને વાત કરી હતી. જેથી રાજેશભાઈને મનમાં લાગી આવતા સાંજના પાંચેક વાગ્યાના સુમારે ઘરનો દરવાજો બંધ કરીને ફિનાઈલ પી લીધું હતું. પત્ની તેમજ સંતાનોએ બૂમાબૂમ કરી મૂકતા રાજેશભાઈના ભાઈ સહિત અન્યો આવી ગયા હતા અને બીજા દરવાજેથી ઘરમાં પ્રવેશ કરીને તુરંત જ રાજેશભાઈને બેભાન હાલતમાં સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સમયસરની સારવાર મળી જતાં બચાવ થવા પામ્યો હતો. આ અંગે રાજેશભાઈએ ચારેય વિરૂદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:24 pm IST)