Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કાલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનું વેબસાઈટ ઉપર પરિણામ

વિદ્યાર્થીઓને શાળા પરિણામ પ્રિન્ટ કાઢીને પરિણામ આપશે

રાજકોટ, તા. ૩૦ : ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે રાજય સરકારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનીયાદી પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમીત ઉમેદવારોની પરીક્ષા રદ્દ કરીને શિક્ષણ વિભાગ દ્વારા નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી. સદર ઠરાવ અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ. બુનીયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમીત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે. નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર તા.૩૧-૭ના રોજ સવારે ૮ કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી જોઈ શકશે તથા પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના ગુણપત્રકની નકલ આપી તેમના પરિણામની જાણ કરવાની રહેશે.

(3:10 pm IST)