Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આપધાત:વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આરોપીએ પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી: જિલ્લાના ઉચ્ચ અધિકારી ધટનાસ્થળે

ડીવાયએસપી વી.એન.પટેલે જણાવ્યું કે લૂંટ કરવામાં નિષ્ફળ બે આરોપીને પકડ્યા બાદ અન્ય આરોપીઓને પકડવાની તજવીજ શરૂ :હાલ એક આરોપીએ આપઘાત કરી લેતા અકસ્માત મોત નોંધ્યા બાદ અન્ય સામે ધાડ-લૂંટની કોશિષનો ગુનો નોંધવાની તજવીજ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં એક આરોપીએ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ઘટનાના પગલે વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
 ધાડ અને લૂંટના ગુના મામલે નારગોલ મરીન પોલીસ બે આરોપીઓની અટકાયત કરી નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં લાવી હતી. અહીં જ બંને આરોપીઓને રાખવામા આવ્યા હતા. ત્યારે બે પૈકીના નીતિન રમેશભાઈ ઉરડે નામના શખ્સે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં પેન્ટ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.FSL, LCB, SOG, DYSP સહિતની ટીમે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ધાડ અને લૂંટના ઈરાદે મૃતક નારગોલ આવ્યો હોવાનો આરોપ
નારગોલ પોલીસ સ્ટેશનમાં જે આરોપીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેને વલસાડ LCBએ ઝડપી પાડ્યો હતો. LCBની ટીમે શંકાના આધારે એક ઇકો કારને અટકાવવાનો ઈશારો કરતા ઇકો કારમાંથી 9 ઈસમો ભાગી છૂટ્યા હતા. જેમાંથી 2 આરોપીઓને LCBની ટીમે ઝડપી પાડયા હતા. વલસાડ LCBની ટીમે બંને આરોપીઓને મરીન પોલીસ મથકે લાવી પ્રાથમિક પૂછપરછ કરતા મહારાષ્ટ્રથી એક કાર અને બાઇકમાં કુલ 11 ઈસમો નારગોલ ખાતે લૂંટ અને ધાડના ઇરાદે આવ્યા હોવાનો ખૂલાસો થયો હતો. કારમાંથી પોલીસને તીક્ષણ હથિયારો પણ મળી આવ્યા હતા.
ચીખલી પોલીસ સ્ટેશનમાં પણ બે આરોપીઓના શંકાસ્પદ મોત થયા હતા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ગત 21મી તારીખે રવિ જાદવ અને સુનિલ યાદવ નામના બે શકમંદ આરોપીઓના પોલીસ સ્ટેશનમાં જ શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યા હતા. પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાંથી બંને યુવકોની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. મહત્વનું છે કે, નવસારી પોલીસે ગઈકાલે જ આ મામલે ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પકડાયેલા બે આરોપી પૈકી આરોપી નીતિને ગુરૂવારે સવારે ટોયલેટ જવાના બહાને અંદર પોતાનો પેન્ટ કાઢી બારીના ગ્રીલ સાથે બાંધીને સવારે પોણા છ વાગે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાતની જાણ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને કરી દેવાઇ છે. હાલ લાશને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રહેતા આરોપીઓ ઘણાં દિવસ અગાઉથી નારગોલ વિસ્તારમાં એક બંગલોની રેકી કરી રહ્યા હતા. બુધવારે રાત્રે તેઓ લૂંટને અંજામ આપવા માટે ધારદાર હથિયારો સાથે આવ્યા હતા. જોકે, પોલીસની નાઇટ પેટ્રોલીંગના કારણે તેઓ તે કરવામાં અસફળ રહ્યા હતા. પોલીસે આ કેસમાં ઇકો કાર પણ કબજે લીધી છે.
દહેરીના આધેડના મોતમાં પણ પોલીસ ઉપર આક્ષેપ થયા હતા
ઉમરગામના દહેરીગામના રમેશ પાટિલ રવિવારે રાત્રે કારમાં જઇ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની કારને આંતરીને માર મારતા મોત થયાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. આખરે પોલીસે મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. દહેરીના આધેડના મોત બાદ ફરી એક વખત નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીના આપઘાતને લઇ ચર્ચામાં આવી છે.

(1:36 pm IST)