Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ- અમદાવાદમાં હૃદયના ઓપરેશન માટે બિહારથી ર૧ બાળકોને હવાઇ માર્ગે લવાયા

રાજકોટ, તા. ૩૦ : દિલ વિધાઉટ બીલના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ. પાડ્યું છે.   શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા દેશના અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્યે કરવામાં આવશે.

  બિહાર સરકાર દ્વારા માનનીય મુખ્ય મંત્રી શ્રી નીતીશ કુમારના માર્ગદર્શન હેઠળ તા ૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ ૫૦ જણ ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવ્યાં જયારે અમદાવાદ હોસ્પિટલ તરફથી બાળકોનું અભિવાદન ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી, દ્વારા કરવામાં આવ્યું હતું. 

તા.૨૯-૦૭-૨૦૨૧ પટના થી અમદાવાદ ખાતે ૫૩ લોકોને ને હૃદયના ઓપરેશન માટે લેવામાં આવ્યાં જેમાં ૨૧ હૃદય રોગના બાળ દર્દીઓ, તેમના માતા પિતા અને બિહાર સરકારના અધિકારીઓ સામેલ હતા. આ દર્દીઓ તથા તેમના માતા પિતાનો આવવા અને જવાનો પ્લેન દ્વારા થનાર ખર્ચો બિહાર સરકાર ઉપાડે છે.

કળિયુગમાં જ્યાં આજે કોઈ એક કપ ચા પણ મફત માં ના પીવડાવે ત્યાં છેલ્લાં ૨૧ વર્ષ થી સેવાની અવિરત ધારા આ હોસ્પિટલ દ્વારા ચાલી રહી છે. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે  જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્પિટલમાં ૩ થી ૫ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્યે કરે  છે.

આ હોસ્પિટલ જે રાજ્યોમાં આરોગ્યની સુવિધા પુરી ના થતી હોય તેવા બાળકોનું હૃદયના ઓપરેશન વિના મુલ્યે કરે છે.

૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ-આઈસીસીયુ, અને કૅથ લેબ ધરાવતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.

આ અંગે મનોજભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે ર૧ બાળકોની ધોળકા સ્થિત હોસ્પિટલમાં હાર્ટ સર્જરી કરવામાં આવશે. દર્દીઓ તથા તેમના પરિવારજનોને રહેવા-જમવાની સુવિધા અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ ખાતે બાળ દર્દીઓ અને તેના પરિવારજનોનું ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. 

(4:22 pm IST)