Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સુરતમાં મકાઇની આડમાં દારૂની હેરાફેરી કરનાર રત્‍ન કલાકાર જીગર સાવલીયા રૂા.3.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

અમરોલીના સુરજ ઉર્ફે કાલુ શાહુ અને સિદ્ધાર્થ નામના શખ્‍સે સુરતમાં દારૂ લાવવાનું શરૂ કર્યુ હતુ

સુરત: દક્ષિણ ગુજરાત અને સુરતમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી ટેક્નિકનો ઉપયોગ કરી દારૂનો વેપલો કરતાં હોય છે. આવો જ એક કિસ્સો કાપોદ્રા વિસ્તારમાં સામે આવ્યો છે. માહિતીના આધારે મકાઈની આડમાં રત્નકલાકાર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપાયો છે. આ રત્નકલાકાર લોકડાઉન દરમ્યાન પણ દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો.

સુરતના કાપોદ્રામાં પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે, એક ટેમ્પોમાં કેટલાક ઈસમો દારૂ ભરીને આવી રહ્યા છે. આ માહિતીના આધારે વરાછાના હીરાબાગ સુંદરબાગ સોસાયટી સરકારી સ્કૂલ પાસે વોચ ગોઠવાઈ હતી. જેમાં શંકાસ્પદ એક ટેમ્પોની તપાસ કરતાં ટેમ્પોમાંથી મકાઈની ગુણો મળી આવી હતી. પરંતુ પોલીસે ટેમ્પાનું સઘન ચેકિંગ કર્યું હતું. મકાઈની ગુણોની નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી કરતા રત્ન કલાકરે દારૂની 2300 થી વધુ બોટલ સંતાડી હતી. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ રત્ન કલાકાર લોકડાઉનમાં દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો અને ત્યાર બાદ તેણે બે ભાગીદારો સાથે સુરતમાં દારૂ લાવવાનું શરૂ કર્યું હતું.

જ્યારથી કોરોના મહામારીમાં લોકડાઉનની વાત સામે આવી હતી ત્યારે તમામ લોકોના વેપાર ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે. તેવામાં કેટલાક લોકો પોતાનો વ્યાપાર બદલીને બીજા વેપારમાં લાગી ગયા છે. જ્યારે કેટલાક લોકો ઝડપથી રૂપિયા કમાવવા માટે ગુનાહિત પ્રવૃતિના માર્ગે વળ્યાં છે. કાપોદ્રા પોલીસે ટેમ્પોની ઝડતી કરતાં તેમાંથી રૂ.1,97,280 ની મત્તાની 2304 નંગ દારૂની બોટલ અને ટીન મળ્યા હતા. પોલીસે ટેમ્પો લઈ જતા જીગર સુધીરભાઈ સાવલીયાને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 1.50 લાખની મત્તાનો ટેમ્પો, એક મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ.3,57,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેવુ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એજે ચૌધરીએ જણાવ્યું.

પોલીસે રત્નકલાકાર તરીકે કામ કરતા જીગરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે લોકડાઉનમાં કાપોદ્રા પોલીસના હાથે દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો. ત્યાર બાદ તેણે અમરોલીના સૂરજ ઉર્ફે કાલુ શાહુ તેમજ સિદ્ધાર્થ સાથે મળી ભાગીદારીમાં સુરતમાં દારૂ લાવવાનું શરૂ કર્યું હતું. અમરોલી આવાસમાં રહેતો ટેમ્પો ડ્રાઈવર રવિ સૂરજ ઉર્ફે કાલુ સાથે સેલવાસ ગયો હતો અને ત્યાં અમિત પાસે દારૂ ટેમ્પોમાં ભરાવી મકાઈના ડોડાની ગુણોની આડમાં દારૂ લાવ્યા હતા. તેઓ પહેલા પાસોદરા આવ્યા હતા. ત્યાં અવાવરું જગ્યાએ ટેમ્પો સંતાડી બાદમાં રવિ ટેમ્પો સુંદરબાગ સોસાયટીમાં મૂકી ગયો હતો. જીગર ત્યાંથી ટેમ્પો અમરોલીમાં સૂરજ ઉર્ફે કાલુને આપવા જતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો હતો.

(5:33 pm IST)