Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

હવે DPS ઇસ્ટમાં નવો વિવાદ :વાલીઓએ સ્કૂલે પહોંચ્યા :એલ.સી. લેવાનો ઈનકાર કર્યો

અન્ય સ્કૂલો ડોનેશન લેતી હોવાથી સ્કૂલ જ તેમના બાળકોના પ્રવેશ કરાવે તેવી વાલીઓની માંગ

અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં રહેલી DPS- ઈસ્ટ સ્કૂલમાં આજે નવો વિવાદ ઉભો થયો છે. શાળાએ વાલીઓને એલ.સી. લઈ જવા માટે લખેલા પત્રના પગલે શુક્રવારે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને એલ.સી. લેવાનો ઈનકાર કર્યો હતો. તેની સાથે સ્કૂલ દ્વારા જ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવે તેવી માગણી વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. કેમ કે અન્ય સ્કૂલમાં પ્રવેશ વખતે મોટુ ડોનેશન લેવામાં આવતું હોઈ વાલીઓને તે પોષાય તેમ ન હોવાથી સ્કૂલ જ તેમના બાળકોના પ્રવેશ કરાવે તેવી માગણી કરી હતી.

મળતી માહિતી મુજબ DPS ઈસ્ટ સ્કૂલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલતો હતો. જેમાં તાજેતરમાં અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલની મુલાકાત લઈ નિયત સમયમાં સરકારનું એનઓસી લીધું ન હોવાના મુદ્દે સ્કૂલને બંધ કરવા માટે નોટીસ ફટકારી હતી. આ નોટીસ ફટકારવામાં આવ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓ દ્વારા સંયુક્ત રીતે સુનાવણી રાખવામાં આવી હતી. આ સુનાવણીમાં સ્કૂલને બંધ કરવા માટે નોટીસ અપાઈ હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવા સહિતના કારણો પુછવામાં આવ્યા હતા.

દરમિયાન સ્કૂલ દ્વારા વાલીઓને એક પત્ર લખી ચાલુ વર્ષ માટે પ્રવેશ આપવાનું બંધ કરી વાલીઓને એલસી લઈ જવા માટે જાણ કરી હતી. આ પત્ર મળ્યા બાદ વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને એલસી લેવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળે છે. વાલીઓએ DPS મેનેજમેન્ટ દ્વારા જ તેમના બાળકોના પ્રવેશ અન્ય સ્કૂલમાં કરાવી આપવામાં આવે તે મુદ્દે રજૂઆત કરી હતી. બીજી બાજુ સ્કૂલ તરફથી DPS બોપલમાં પ્રવેશ લેવો હોય તો ભલામણ પત્ર લખી આપવાની તૈયારી બતાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સ્કૂલોમાં પ્રવેશ માટે મોટું ડોનેશન માંગવામાં આવતું હોવાથી વાલીઓ બીજી સ્કૂલમાં પ્રવેશ લેતા ખચકાય છે. એટલે જ વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સમક્ષ અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવી દેવાની માગણી કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શાળામાં 358 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. સ્કૂલ દ્વારા પ્રાથમિક માટે કરવામાં આવેલી દરખાસ્ત હજુ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં પડતર હોવાનું પણ જાણવા મળે છે.

(11:20 pm IST)