Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં ચેકીંગમાં 50 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 3000 નો દંડ કરતા ફફડાટ

50 માઇક્રોનથી ઓછી ગુણવતા વાળી પ્લાસ્ટીક થેલી વાપરનાર વેપારીના ચેકીંગમાં 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી 3000 રૂ .નો દંડ વસુલ કરાયો: જોકે વારંવાર ચેકીંગ,દંડ અને કડક સૂચના બાદ પણ કેટલાક વેપારીઓ સુધરતાં ન હોય હવે આકરા પગલાં લેવાય તેવી સંભાવના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે  નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાની સૂચના મુજબ અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટિમે રાજપીપળા શહેરની પ્લાસ્ટિકનું વેચાણ કરતી તમામ દુકાનો ઉપર આકસ્મિક ચેકીંગમાં હાથ ધર્યું જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પરથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા એ જપ્ત કરી વેપારી પાસે દંડ વસુલ કરતા ફફડાટ ફેલાયો હતો.
50 માઈક્રોન થી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય તેનાથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા અમુક વેપારીઓને ત્યાં અગાઉ પાલિકાની ટીમે આ રીતે સરપ્રાઈઝ ચેકીંગ કરી કડક સૂચના આપી હતી છતાં આ પૈકી કેટલાક વેપારીઓ 50 માઇક્રોન થી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય પાલિકા ટીમે ગુરુવારે અચાનક ચેકીંગ હાથ ધર્યું જેમાં કેટલાક વેપારીઓને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો 50 કિલો જેવો જથ્થો જપ્ત કરી 3000 રૂ.નો દંડ વસુલ કરતા નિયમનું પાલન ન કરતા વેપારીઓમાં પાલિકા દ્વારા કરાયેલી કડક કાર્યવાહી થી ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો.

(9:29 am IST)