Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગૌમાતાના નામે નાટક ન કરો, રૂા. ૫૦૦ કરોડ આપો : ઇન્‍દ્રનીલ

અમુકને ચેક આપીને મોદીજીએ રોષ ઠારવા પ્રયાસ કર્યો, પણ પશુપાલકો છેતરાશે નહિ : ‘આપ'ની સરકાર બન્‍યા બાદ તત્‍કાળ ૫૦૦ કરોડ આપશે : ગૌસેવાના નામે ભાજપના નેતાઓ કંઇ કરી શકયા નથી : રાજગુરૂની પ્રેસ કોન્‍ફરન્‍સ : લમ્‍પી વાયરસ તથા ગૌચર જમીન અંગે પણ ભાજપ નિષ્‍ક્રીય

ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરુ સાથે વશરામ સાગઠિયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦ : આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્‍દ્રનીલ રાજગુરૂએ કહ્યું કે, બનાસકાંઠા સમગ્ર દેશમાં ગૌવંશની રાજધાની ગણાય છે. ગૌ સેવાનું જેટલું કામ અહીંનાં લોકોએ કર્યું છે એટલું આખા દેશમાં ક્‍યાંય નથીથયું. અને અહીંની વિશાળ જનસંખ્‍યા ગૌમાતાની સેવા પર નિર્ભર છે. પરંતુ આ ખૂબ જ દુર્ભાગ્‍યપૂર્ણ છે કે જયારે લમ્‍પી વાયરસ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો ત્‍યારે ગુજરાત સરકાર લમ્‍પી વાયરસ પ્રત્‍યે કોઈ જવાબદારી લઇ રહી નહોતી. ગૌશાળામાં કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી. હજારો ગૌશાળાઓ અને બીજા તમામ ગૌપાલકો મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે, સરકાર તરફથી કોઈ મદદ કરવામાં આવી રહી નથી.

બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારે ગૌશાળા માટે ૫૦૦ કરોડનું બજેટ જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી આપવામાં આવ્‍યું નથી. આપણા સમાજમાં ગૌદાનની પ્રથા રહ્યા છે. માણસ ખોરાક પણ ખાય છે, કંઈક કમાય છે અને પછી સૌથી પહેલા ગાયનું દાન કરે છે. આ કેવી સરકાર છે જેણે જાહેર કર્યું કે અમે ગાય સેવા માટે ૫૦૦ કરોડ રૂપિયા આપીશું, પરંતુ જેઓ ગૌશાળાના સેવક છે, ગૌપાલકો તેઓ દરેક જગ્‍યાએ ઠોકર ખાઈ રહ્યા છે, પરંતુ સરકારે ૫૦૦ કરોડમાંથી ૧ રૂપિયો પણ આપ્‍યા નથી. સરકારે તાળીઓ મેળવવા માટે ૫૦૦ કરોડની વાત કરી હતી પરંતુ આજે આપણે સપ્‍ટેમ્‍બર આવી ગયો તો પણ આજદિન સુધી એક પણ ગૌશાળાને ઈં ૧ આપવામાં આવ્‍યો નથી. ગૌમાતાના નામ પર ક્‍યાંય કોઈ ખર્ચ કરવામાં આવ્‍યો નથી અને સરકાર તેનાથી પાછીપાની કરી રહી છે જે ખૂબ જ ચિંતાજનક છે. હું  સરકારને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સરકારે નક્કી કરેલું ગૌશાળાનું બજેટ, ગૌશાળાઓને આપી દેવું જઇએ, તે તેમનો હક છે. ગાય દીઠ જે પણ ખર્ચો થાય છે એ પણ આપવો જોઇએ. બીજું એ કે લમ્‍પી વાયરસ માટે સરકારે તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરવી જોઈએ કારણ કે ગૌસેવા ભારતની સંસ્‍કૃતિનો એક ભાગ છે, ગૌસેવા જીવનનો એક ભાગ છે, તો સરકારે ગૌસેવા પ્રત્‍યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

 ઇન્‍દ્રનીલ રાજગુરૂએ જણાવ્‍યું કે, જો અમારી સરકાર બનશે તો ગૌપાલકોને જે પણ તકલીફોનો સામનો કરવો પડ્‍યો છે એ દૂર કરવામાં આવશે અને ગૌપાલકોને ૫૦૦ કરોડનું બજેટ પણ ફાળવવામાં આવશે.

પશુપાલકોએ વારંવાર આંદોલનો કર્યા છતાં પણ ગુજરાતની સરકાર જાગી નથી. અંતે એવું જાણવા મળ્‍યું છે કે આજે વડાપ્રધાન શ્રી અંબાજી ખાતેથી અમુક લોકોને જ ચેક આપી રોષ ઠારવાની કોશિશ કરવાના છે, પણ પશુપાલકો આ વખતે છેતરાશે નહિ. આમ આદમી પાર્ટીની માંગ છે કે ખાલી અમુક લોકોને વળતર આપવા કરતા જે ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી એ ૫૦૦ એ ૫૦૦ કરોડનું બજેટ તાત્‍કાલિક ગૌરક્ષક ગૌશાળા અને પશુપાલકોને આપવામાં આવે.

ગુજરાતમાં ચાલી રહેલ ત્રીજો મોટો મુદ્દો એ છે કે તમામ ભૂ-માફિયાઓએ ગૌચરની જમીનોને કબજે કરી લીધી છે. ગૌચર પર નિર્ભર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ગાયો સાથે ક્‍યાં જાય? તેઓને એવી જગ્‍યાએ જવાની ફરજ પાડવામાં આવે છે જયાં જવાનું કાયદેસર રીતે પ્રતિબંધ છે. સરકારે આ તરફ પણ ધ્‍યાન આપવું જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરાવી જોઈએ જેથી ગાય ત્‍યાં ચરવા અને ફરવા જઈ શકે.

(3:44 pm IST)