Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગાંધીનગર નજીક ચિલોડામાં ગરબા જોઈને પરત ફરતી યુવતીની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ થતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકના ગામમાં ગરબા જોઇને પરત ઘરે જતી યુવતીની લાજ લેવાનો પ્રયાસ ગામના જ યુવાને કર્યો હતો. જો કે, યુવતીએ બુમાબુમ કરતા તેનો ભાઇ આવી જતા આ યુવાન નાશી છુટયો હતો. આ સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને યુવાનની શોધખોળ શરૃ કરી છે.

નવરાત્રીના પર્વ દરમ્યાન શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેડતીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવ્યું હોવાનો દોવો કરવામાં આવે છે પરંતુ શહેર નજીક આવેલા ચિલોડા પંથકના એક ગામમાં ગરબા જોઇને પરત ઘરે ફરતી યુવતીની લાજ લેવાનો પ્રયાસ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગામમાં ગરબા જોઇ યુવતી એકલી ઘરે જઇ રહી હતી તે સમયે ગામના જ યુવાને તેણીનો પીછો કર્યો હતો અને એકલતાનો લાભ લઇને પાછળથી બાથમાં લઇને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે યુવતીએ બુમાબુમ કરતા નજીકમાં જ રહેલો તેનો ભાઇ દોડી આવ્યો હતો. યુવતીના ભાઇને જોઇને આ યુવાન નાશી છુટયો હતો. છેલ્લા ત્રણ ચાર દિવસથી યુવતીનો  શખ્સ પીછો પણ કરતો હતો. હાલ તો આ અંગે ચિલોડા પોલીસે યુવાન સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.

(5:35 pm IST)