Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

નવરાત્રી પર ખેલૈયાઓ માટે સારા સમાચારઃ કચછથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી

સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્‍તારોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે

ગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા નવરાત્રીને લઇ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્‍તારોમાં વરસાદ પડી શકે છે. જ્‍યારે ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. કચ્‍છથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી છે. ગુજરાતમાં કેટલાક વિસ્‍તારોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે ચોથું નોરતું છે. પરંતુ હવે ખેલૈયાઓ માટે એક ખુશખબર મળી રહ્યા છે. ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગ દ્વારા હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કચ્છથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી હોવાની આગાહી કરવામાં આવી છે. જોકે હજુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે.

હવામાન વિભાગ દ્વારા આજે કરેલી આગાહી પ્રમાણે, ભેજ વાળા વાતાવરણને લઈને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે. પરંતુ હા...ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. એટલું જ નહીં, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની પણ કોઈ આગાહી નથી. હાલ રાજ્યમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ આગાહી નથી.

અગાઉ હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, ભારે વરસાદની કોઈ આગાહી નથી, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

(5:42 pm IST)