Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વલસાડના વાંકલ ગામે રશ્‍મીબેન પરમારે પ્રેરક શિક્ષકની નોકરી છોડી બેંકમિત્રમાં જોડાઇને મહિને 35 હજારની આવક મેળવી અન્‍ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્‍યા

ગ્રામ સખી મંડળમાંથી 50 હજારની લોન લઇ લેપટોપ, પ્રિન્‍ટર ખરીદી બેન્‍કીંગ સેવામાં જોડાયા

વલસાડઃ વલસાડના વાંકલ ગામે રહેતા રશ્‍મીબેન પરમારે એમ.ફીલ અને ટાટની પરીક્ષા પાસ કરી છે. તેણી શિક્ષકની નોકરી છોડી બેંક મિત્રમાં જોડાયા હતા. સખી મંડળમાંથી 50 હજારની લોન લઇ લેપટોપ, ફિંગર પ્રિન્‍ટ અને પ્રિન્‍ટરની ખરીદી કરી હતી. ગ્રામીણ ક્ષેત્ર બેન્‍કીંગની ક્રેડિટ, સેવિંગ, ઇન્‍સ્‍યુરન્‍સ અને મની ટ્રાન્‍સફરની સુવિધા આપી મહિને 30થી 35 હજાર જેટલી આવક મેળવે છે.

વલસાડના ગામડાની એક મહિલા આખી બેંકિગ સિસ્ટમ ચલાવે છે, રોજના રૂ. 6 લાખ અને મહિને રૂપિયા દોઢ કરોડથી વધુના નાણાકીય વ્યવહાર કરે છે. આ વાત સાંભળીને નવાઈ લાગે છે પણ ગુજરાત સરકારના સખી મંડળની પહેલે ખરેખર મહિલા સશક્તિકરણનો મજબૂત પાયો નાંખી મહિલાઓને ભરપૂર આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બનાવી છે.

એમ.ફીલની ઉચ્ચ કક્ષાની ડિગ્રી અને ટાટની પરીક્ષા પણ પાસ કરનાર વલસાડના વાંકલ ગામની મહિલાએ શિક્ષિકાની નોકરી છોડી સખી મંડળ બનાવ્યું અને હાલમાં બેંક મિત્ર તરીકે પોતાના વાંકલ ગામના જ નહીં પરંતુ આસપાસના 10થી 15 ગામના 10 હજારથી વધુ લોકોને બેંકિંગ ક્ષેત્રની ક્રેડિટ, સેવિંગ, ઈન્સ્યુરન્સ અને મની ટ્રાન્સફરની સુવિધા આપી મહિને રૂ. 30 હજારથી 35 હજાર સુધીની આવક મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે.

વલસાડ તાલુકાના વાંકલ ગામમાં દરૂ ફળિયા ખાતે રહેતા રશ્મીબેન પ્રવિણસિંહ પરમાર વર્ષ 2008માં વાંકલ પ્રાથમિક શાળામાં સાક્ષરતા અભિયાનમાં જોડાઈને પ્રેરક શિક્ષક તરીકે સેવા આપતા હતા. પરંતુ તેમાં રૂ. 2000નો પગાર મળતો હતો. પતિ ખેતી કરતા હતા પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે ખેતીના પાકની અનિશ્ચિતતા રહેતી હતી. જેથી 5 વર્ષ બાદ રશ્મીબેને નોકરી છોડીને વર્ષ 2017માં ગામમાં જય સ્વામિનારાયણ સ્વસહાય જૂથ (સખી મંડળ)ની સ્થાપના કરી હતી. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તત્કાલિન કલ્સ્ટર અધિકારી કેતન પટેલ મારફતે બેંક મિત્ર તરીકે જોડાવાનું માર્ગદર્શન મળતા દિન દયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેંક મિત્રની તાલીમ મેળવી પરીક્ષા પાસ કરી જોબ મેળવી હતી.

2 વર્ષ બાદ બેંક ઓફ બરોડાએ તાલીમ આપી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ બેંકિંગ ફાઈનાન્સનું સર્ટિફીકેટ આપ્યું હતું. બાદમાં સેન્ટર શરૂ કરવા માટે કોડ આપ્યો હતો.આ સંઘર્ષ વચ્ચે તાલીમથી માંડીને પ્રમાણપત્ર સુધીનો તમામ ખર્ચ રાજ્ય સરકારે ચૂકવ્યો હતો. સેન્ટર શરૂ થયા બાદ તેને ચલાવવા માટે લેપટોપ, ફિંગર પ્રિન્ટ ડિવાઈસ અને પ્રિન્ટરની ખરીદી માટે અંદાજે રૂ. 50ની હજારની લોન પણ ગ્રામ સખી સંઘમાંથી મેળવી બેંકિગ કેન્દ્રની શરૂઆત કરી હતી.

આ કેન્દ્ર થકી રશ્મીબેન તો આર્થિક રીતે પગભર બન્યા.ગામમાં કુલ 52 સખી મંડળ છે જેના મહિને રૂ. 5 લાખ અને ગામમાં 5 દૂધ મંડળી છે તેના મહિને રૂ. 25 લાખના નાણાકીય વ્યવહાર પણ અહીંથી જ થાય છે. હાલમાં હું રોજના રૂ. 6 લાખ અને મહિને રૂ. 1.50 કરોડના વ્યવહાર કરુ છું. જેમાંથી મને દર મહિને સારી આવક મળતા આર્થિક રીતે સધ્ધર બન્યા છે.

(5:43 pm IST)