Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

અમદાવાદના બોપલ વિસ્તારમાં બાળક ચોરી જતી ગેંગ અંગે સોસાયટીના ચેરમેને અફવાથી બચવા કરી અપીલ

ફરી બાળક ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા ફેલાઈ:આ પ્રકારની અફવામાં ન આવવા સોસાયટીના ચેરમેને લોકોને અપીલ કરી અને લોકોને અફવાથી દૂર રહેવા જણાવ્યુ

અમદાવાદના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતા સમાચારને કારણે આ અફવાએ જોર પકડ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ દરરોજ બાળકોને ઉઠાવી જવાની ટોળકીના ખોટા મેસેજ પોલીસને મળે છે. જેથી પોલીસે અપીલ કરી છે કે આવી અફવાઓથી દૂર રહેવું. જોકે હાલ તહેવારો સમયે આવી અફવા સામે આવતા નાના બાળકોના માતા-પિતા ચિંતિત બન્યા છે.

શહેરમાં છેલ્લા 20 દિવસથી બાળકોને ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા વચ્ચે લોકોમાં ભય ફેલાયો છે. જોકે પોલીસ ચોપડે આવી એક પણ ફરિયાદ નોંધાઇ નથી. ત્યારે બોપલ વિસ્તારમાં પણ બાળક ઉઠાવી જતી ગેંગ ફરતી હોવાની અફવા ચાલતી હોવાથી સોસાયટીના ચેરમેનોએ રહીશોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં વોટ્સએપ ગ્રૂપમાં બાળકો ઉપાડી જતી ટોળકીના ફોટો-વીડિયો વાયરલ થતા અફવાનું જોર પકડાયું છે. જેમાં અજાણી સ્ત્રી સોસાયટીમાં રમતા બાળકને લાલચ આપીને ઉઠાવી જતી હોવાની અફવા ચાલી રહી છે. પરતું આવો કોઈ બનાવ બન્યો નથી જેને લઈ બોપલ પોલીસ પણ તમામ સોસાયટીના ચેરમેનઓને એક ઈમેઈલ માધ્યમથી જણાવ્યું હતું કે આવી અફવાઓથી દૂર રહેવું અને શંકાસ્પદ વ્યક્તિ હોય જેની જાણ પોલીસને કરવી. ત્યારે સાઉથ બોપલમાં આવેલ સફલ પરીસરના સેક્રેટરી પણ કહેવું છે કે તકેદારીના ભાગ રૂપે સોસાયટી ના સભ્યોને આ રીતે અફવા ન ફેલાવી અને પોતાના બાળકોનું ધ્યાન રાખવા જણાવ્યું છે.

(8:20 pm IST)