Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

ગબ્બર પર માતાજીની મહાઆરતી કરી દેશમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ વધે એ માટે પ્રાર્થના કરી

પાલનપુર:બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા આદ્યશક્તિ મા અંબાના ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે આસો સુદ નવરાત્રિના પાંચમાં નોરતે અંબાજી ખાતેથી વિવિધ પ્રકલ્પો - યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં સામાન્ય દર્શનાર્થીઓ જે માર્ગે જાય છે તે શક્તિ દ્વાર પ્રવેશ કરી જગદંબાના દર્શન કર્યા હતા. મંદિરમાં આદ્યશક્તિના ચરણોમાં શીશ ઝુકાવી વડાપ્રધાનએ દર્શન-અર્ચન કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાનએ ગબ્બર ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતી પ્રસંગે એક સાથે હજારો દીવડાઓ પ્રજ્વવલિત થતાં સમગ્ર ગબ્બર પરિસર દૈદીપ્યમાન થઈ ઉઠ્યું હતું અને ગબ્બર તળેટીમાં ભક્તિમય માહોલ જામ્યો હતો.
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર દેશના ૫૧ શક્તિપીઠમા આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતું જગતજનની જગદંબાનુ પવિત્ર અને પ્રાચીન તીર્થસ્થળ છે. મા અંબાના પરમ ભક્ત વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ મંદિરે દર્શન કરવા જતાં હતા.

(10:51 pm IST)