Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મહેસાણાના કસલપુર ગામે ONGCના કૂવાના સમારકામ વેળાએ ગેસ લીકેજ

ગેસ લીકેજના કારણે આસપાસના 2 કિમી સુધીના વિસ્તારોમાં ઉભા રહેવું મુશ્કેલ : આજુબાજુના 10-12 ગામોમાં અસર

મહેસાણા તાલુકાના કસલપુર ગામ ખાતે ONGCના કૂવાના સમારકામ દરમિયાન ગેસ લીકેજના કારણે લોકોને ભારે મુશ્કેલી અનુભવાઈ હતી. ઓએનજીસીના વેલમાં રાત્રે ભેદી વિસ્ફોટ થયો હતો અને ત્યાર બાદ ગેસ લીકેજ થવાના કારણે નાસભાગ મચી ગઈ હતી

ગેસ લીકેજના કારણે લોકોને આંખોમાં અને ગળામાં બળતરા થવા લાગી હતી જેથી તંત્ર દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગની ટીમે આ ઘટના બાદ ગામમાં સર્વે શરૂ કર્યો હતો અને ઓપીડી શરૂ કરવું પડ્યું હતું. આ સાથે જ ઓએનજીસીના કૂવા સુધી જવા માટેના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 

કૂવાના સમારકામ દરમિયાન અચાનક જ ગેસ લીકેજ થવાના કારણે તે સમગ્ર પંથકમાં ફેલાઈ ગયો હતો અને આસપાસના લોકોને ચક્કર, આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની સમસ્યા થવા લાગી હતી. બાળકોથી માંડીને મોટી ઉંમર સુધીના તમામ લોકોને રાતે આ પ્રકારની મુશ્કેલી અનુભવાઈ હતી અને સૌ દવાખાને ધસી ગયા હતા.

 ગામના સરપંચ કાંતિ ચાવડાના કહેવા પ્રમાણે રાત્રે 1:00 કલાકે ONGC વેલમાં મોટો બ્લાસ્ટ થયો હતો. વેલ પર કામગીરી ચાલી રહી હતી ત્યારે મોટો વિસ્ફોટ થયો હતો અને ત્યાર બાદ ગેસ લીકેજ થયો હતો. ગામના લોકોને અસર થવાના કારણે તંત્રને જાણ કરવામાં આવી હતી. બાદમાં ગેસ થોડો ઘટ્યો છે, પરંતુ 40થી 50 ફૂટ ઉપર સુધી પ્રેશર જોવા મળ્યું હતું. 

ગેસ લીકેજના કારણે આસપાસના 2 કિમી સુધીના વિસ્તારોમાં ઉભા રહેવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. ત્યાંથી 4 કિમી દૂર સુધી બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા અને આજુબાજુના 10-12 ગામોમાં અસર વ્યાપી હતી.

(12:20 am IST)