Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી ઝડફિયાના ઘરે પહોચ્યા :મોટી જવાબદારી મળવાની અટકળ શરૂ

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સાથે રહ્યા

અમદાવાદ : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતા અને એક સમયે સંઘના નજદીકી ગણાતા પૂર્વગૃહ મંત્રી  ગોરધનભાઈ  ઝડફિયાના ઘરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ પહોચતા રાજનીતિક અટકળો  તેજ થઇ ગઈ હતી. મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોચ્યા હતા.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ત્યારે તેઓ પૂર્વ નિયોજિત કાર્યક્રમમાં વ્યસ્ત છે.આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રી અને ગૃહ મંત્રી ઝડફિયાને મળવા ઘરે પહોચતા સ્વાભાવિક જ રાજનીતિક અટકળો તેજ થાય. ગોરધનભાઈ  ઝડફિયાને આ તકે યાદ કરવામાં આવે તે સહજ એટલા માટે છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે.

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચુકેલા ગોરધનભાઈ  ઝડફિયાને 27 ડીસેમ્બર-2018ના રોજ લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઇન્ચાર્જ બનાવીને ભાજપના રાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું હતું. હવે જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી છે ત્યારે, ગુજરાતથી એક ટીમ જવી એ બહુ જ સ્વાભાવિક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહેવાય છે કે, ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સંબંધિત કોઈ સંદેશ લઈને,ગોરધનભાઈ  ઝડફિયાને મળ્યા હોઈ શકે છે. કારણકે, ઉત્તર પ્રદેશ ગત વિધાનસભાની ચૂટણીમાં યૂપીનાં પ્રભારી જે.પી. નદ્ડા રહ્યા હતા. હવે આ વખતે જે. પી.નદ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.ત્યારે, સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ગોરધનભાઈ  ઝડફિયાને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવી શકાય તેમ છે. યૂપીની ગત વિધાનસભા ચૂંટણીમાં ગોરધન ઝડફિયાની કામગીરી બહુ જ અસરકારક સાબિત થઈ હતી. 

 

2014 સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે હાલના કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ હતા. હવે અમિતભાઈ  શાહ જુદી ભૂમિકામાં છે.ત્યારે 2018 માં જગત પ્રકાશ ( J P ) નદ્ડાને આ જવાબદારી સોંપાઈ હતી .2019ની લોકસભા ચૂંટણી માટે ગોરધનભાઈ  ઝડફિયાને સહ પ્રભારી બનાવ્યા હતા. હવે જ્યારે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીની દૂદૂમ્ભી વાગી ગઈ છે ત્યારે ઝડફિયાની ભૂમિકા પણ મોટી રહેશે.

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી જીતુભાઈ  વાઘાણી જ્યારે આજે ગોરધનભાઈ  ઝડફિયાના ઘરે મળ્યા છે ત્યારે ચોક્કસ એ શુભેચ્છા મુલાકાત સાથે ઉત્તરપ્રદેશમાં ઝડફિયાની મોટી ભૂમિકા અને તે માટે ગુજરાતમાંથી  પ્રચાર માટે મજબૂત ટીમ બનાવવાની જવાબદારી પણ તેમના શિરે આવશે. 

(8:09 pm IST)