Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

નર્મદામાં હોમગાર્ડની ભરતી માટે યુવાનો ઉમટી પડ્યા

યુવાનો રાત્રે ૩ વાગ્યાથી લાઈનમાં ઉભા રહ્યાં : હોમગાર્ડની નોકરી એવી હોય છે કે જેમાં કાયમી પગાર નથી હોતો, માનદવેતન હોય છે, છતાં ઉમેદવારો ઉમટ્યા

નર્મદા, તા.૨૮ : ગુજરાતમાં હાલ ભરતીની મોસમ ચાલી રહી છે. ગુજરાતમાં એલઆરડી, જીઆરડી, પીએસઆઈની પરીક્ષા માટે યંગસ્ટર્સ તૈયારી કરી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લામાં હોમગાર્ડની ભરતી ચાલી રહી છે. સરકારની નોકરી મેળવવાની આશાએ વહેલી રાત્રે ૩ વાગ્યાથુ યુવકો લાઈનમાં ઉભા રહ્યા હતા અને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

નર્મદા જિલ્લામાં અત્યારે હોમ ગાર્ડની ભરતી ચાલી રહી છે. જેમાં આજે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા છે. આ માટે યંગસ્ટર્સ વહેલી રાત્રે ૩.૦૦ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. હોમગાર્ડની નોકરી એવી હોય છે કે જેમાં કાયમી પગાર નથી હોતો. માત્ર માનદવેતન હોય છે. છતાં પણ તેની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. જે બતાવે છે કે સરકારી નોકરીમાં દિવસેને દિવસે લોકોનો રસ વધી રહ્યો છે.

નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં રાજપીપળામાં ૧૨૫ જગ્યા માટે ૧૨૫૮, મહિલાની ૨૦ જગ્યા માટે ૩૮૦ અને કેવડિયા ૮૯ ની જગ્યા માટે ૧૦૬૦ અને મહિલાની ૧૮ જગ્યા સામે ૩૩૩ ઉમેદવારી નોંધાવી છે. જેની ભરતી પ્રકિયા ચાલુ છે. મોટી સંખ્યામાં ઉમેદવારોની ભરતી ચાલી રહી છે ત્યારે કેવડીયા એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતેની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં આજે દોડ તેમજ છાતીનું માપ અને તમામ કસોટી લેવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ઉમટેલા ઉમેદવારો બતાવે છે કે ગુજરાતમાં કારમી મોંઘવારીના કારણે સાથે-સાથે બેરોજગારી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.

(7:23 pm IST)