Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગુજરાતમાં આવતીકાલ રાતથી વાતાવરણમાં પલ્ટો જોવા મળશે

માવઠા દરમ્યાન ૪૦ થી ૬૦ કિ.મી.ની તોફાની ઝડપે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે : મંગળ થી ગુરૂ રાજયના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૨૯: એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે જેની અસર હેઠળ ૩૦મીની રાતથી ગુજરાતમાં ગાજવીજ અને સુસવાટા મારતા પવન સાથે ફરી એક વખત કમોસમી  માવઠું આવી રહ્યાનું હવામાન ખાતાએ  જણાવ્યું છે.
તા.૩૦ નવેમ્બર મંગળવારના વીજળી અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ફૂંકાશે. પવનની ઝડપ ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક (ઝાપટામાં) રહેવા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન ખાતાએ દર્શાવી છે. આવતીકાલે મંગળવારે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં અને દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ  હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉંત્તર ગુજરાતના જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ આસપાસ હળવાથી મધ્યમ વરસાદ પડશે.
ખેડા, પંચમહાલ અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલેક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડશે.
૧ ડિસેમ્બર બુધવારના રોજ આણંદ,  નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક સ્થળોએ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં આ દરમિયાન અમરેલી અને ભાવનગરના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાની યાદીમાં દર્શાવવામાં આવેલ છે
પંચમહાલ, દાહોદ, છોટા ઉંદેપુર, સુરત, ડાંગ, તાપી જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ૪૦ થી ૬૦  કિમી પ્રતિ કલાક (ઝાપટામાં) ઝડપે ફૂંકાશે.
આ ઉંપરાંત બુધવારે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના છે.
જ્યારે ગુરૂવાર તા.૨  ડિસેમ્બરે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, તાપીમાં વીજળી અને  પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ૪૦-૬૦ કિમી પ્રતિ કલાકે ફૂકાશે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
 ઉંત્તર ગુજરાત,  દક્ષિણ ગુજરાત -દેશના જિલ્લાઓમાં એટલે કે છોટા ઉંદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી;  સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં માવઠું કમોસમી વરસાદ થશે.

 

(11:00 am IST)