Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

૧૦૮૭૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડવા ધમધમાટઃ લેણા અને ગુન્હાના જુદા પ્રમાણપત્રમાંથી મુકિત

બિનહરીફ ન થાય તેવી બેઠકોમાં ૧૯ ડીસેમ્બરે મતદાન

રાજકોટ તા. ૨૯ : રાજ્યની ૧૦૮૭૯ ગ્રામ પંચાયતો અને સજ્ઞંચોની ચૂંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તા. ૪ ડીસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. બિનહરીફ થાય તે સિવાઇની બેઠકોમાં તા. ૧૯મીએ મતદાન થશે. ઉમેદવારોએ ફોર્મ ભરવા સાથેના પ્રમાણપત્ર અંગે ચૂંટણીપંચે માર્ગદર્શક પરિપત્ર કર્યા છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ રજૂ કરવાના ઉમેદવારીપત્ર સાથે બેંક અથવા પંચાયતનું કોઇ લ્હેણુ બાકી નથી તે અંગેની વિગત ઉમેદવારીપત્રના ભાગ-૯માં સમાવિષ્ટ હોઇ અલગથી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નહીં. ઉમેદવારે કરવાના થતા એકરારનામાના ભાગ-૭ અને ૮માં ઉમેદવારના ગુનાહિત ભૂતકાળનો સમાવેશ થતો હોઇ પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ અલગથી રજૂ કરવાનું રહેતું નથી.

આ બાબતની સૂચના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નિમાયેલ તમામ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓના ધ્યાને મુકવા જણાવવામાં આવે છે. આ બાબતે ઉમેદવારીપત્ર રજૂ કરવાના કે ચકાસણી કરવાના દિવસે કોઇ રજૂઆત - વાંધો લેવામાં આવે તો ચૂંટણી અધિકારીએ યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(12:39 pm IST)